વેનેઝુએલા મુદ્દે બ્રિટનનું નરો વા કુંજરો વા

વડાપ્રધાન સ્ટાર્મર અને સરકારના કોઇ મંત્રીએ અમેરિકાને વખોડવાની હિંમત ન બતાવી, ગ્રીનલેન્ડ મુદ્દે પણ આશ્વાસન પુરતી નિવેદનબાજી

Tuesday 06th January 2026 09:24 EST
 
 

લંડનઃ અમેરિકાએ વેનેઝુએલામાં ઓપરેશન હાથ ધરી પ્રમુખ નિકોલસ માદુરોની છડેચોક અપહરણ કર્યું તેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. રશિયા, ચીન, ઇરાન સહિતના ઘણા દેશોએ અમેરિકાના આ કૃત્યને વખોડી કાઢતાં આકરી પ્રતિક્રિયા આપી છે પરંતુ અમેરિકાના ગાઢ સાથી મનાતા બ્રિટને સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. આમ તો લેબર સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓના સંરક્ષક તરીકે કામ કરશે.

જોકે વડાપ્રધાન સર કેર સ્ટાર્મર દ્વારા જે રીતે પ્રતિક્રિયા આપવામાં આવી તે જોતાં એમ લાગતું નથી કે બ્રિટનની સરકાર ખુલીને પોતાનું મંતવ્ય જાહેર કરવા માગતી હોય. આમ તો બ્રિટન પણ વેનેઝુએલામાં સત્તા પરિવર્તનનો લાંબા સમયથી સમર્થક રહ્યો છે અને સ્ટાર્મરના નિવેદન એ જ દિશાના સંકેત પણ આપી રહ્યાં છે. સ્ટાર્મર સવાલોના જવાબ ક્યાં તો ટાળી રહ્યાં છે અથવા તો એવું પ્રતિત કરાવી રહ્યાં છે કે જાહેરમાં પ્રત્યાઘાત ઓછા આપો અને ખાનગીમાં ટ્રમ્પ સાથે ચર્ચા વિચારણા કરતા રહો. તેમનું આ પ્રકારનું વલણ 10 ડાઉનિંગ સ્ટ્રીટની વ્યૂહરચના પર પણ સવાલો ઊભા કરી રહ્યું છે.

એકતરફ યુરોપ અને વિશેષ કરીને યુકે રશિયાની કાર્યવાહીના ભયમાં જીવી રહ્યાં છે ત્યારે સ્ટાર્મર સરકાર નાટોના સર્વેસર્વા એવા અમેરિકાને મોં પર કશું કહેવાની હિંમત કરી શક્તાં નથી. યુકેની ખોડંગાતી અર્થવ્યવસ્થા, નબળી પડેલી લશ્કરી શક્તિ પણ તેમને બેધડક વલણ અપનાવતાં રોકી રહ્યાં છે.

જોકે ગ્રીન લેન્ડ મુદ્દે સ્ટાર્મરે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પરના આક્રમણ બાદ હવે ક્યુબા અને કોલમ્બિયા સહિત ગ્રીન લેન્ડ પર પણ કબજો જમાવવાની ફિરાકમાં છે. આમ પણ તેઓ સત્તામાં આવ્યા ત્યારથી ગ્રીન લેન્ડ પર દાવો ઠોકી રહ્યાં છે. હાલ ગ્રીન લેન્ડનો કબજો ડેન્માર્ક ધરાવે છે.

રિડીંગ ખાતે એક સમારોહને સંબોધ કરતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું ડેન્માર્કની પડખે છું. ટ્રમ્પ ગ્રીનલેન્ડથી દૂર રહે. જોકે ડેન્માર્કના સમર્થનમાં આટલા શબ્દો પુરતાં નથી. વેનેઝુએલા પર અમેરિકી હુમલા બાદ હજુ સ્ટાર્મરે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે સીધી વાતચીત કરી નથી.

અત્યારે તો એમ લાગી રહ્યું છે કે વડાપ્રધાન સ્ટાર્મર કે સરકારના કોઇ મંત્રી કે અધિકારી ટ્રમ્પની કાર્યવાહીને વખોડી કાઢવા તૈયાર નથી. સ્ટાર્મરે મોંઘમમાં એટલું જ કહેવાનું પસંદ કર્યું કે હું આંતરરાષ્ટ્રીય કાયદામાં વિશ્વાસ ધરાવું છું. હું લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય કાયદા માટે કામ કરતો રહ્યો છું. અમેરિકાએ તેણે લીધેલાં પગલાં માટે ઉચિત જવાબ આપવો જોઇએ.

ભારતે ટ્રમ્પ વિરુદ્ધ કોઇપણ ટિપ્પણી કરવાનું ટાળ્યું

વેનેજુએલા પર અમેરિકી હુમલા અને પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોના અપહરણ મુદ્દે ભારત સરકારે પણ વિલંબથી અને સાવચેતીભર્યા પ્રત્યાઘાત આપ્યા હતા. ભારત સરકાર દ્વારા માંડ પાંચ વાક્યનું નિવેદન જારી કરાયું હતું જેમાં અમેરિકા કે માદુરોની અટકાયતનો ઉલ્લેખ પણ નહોતો.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વેનેઝુએલાનો ઘટનાક્રમ ચિંતાજનક છે. અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. ભારત વેનેજુએલાની જનતાની સુખાકારી અને સુરક્ષાને સમર્થન જાહેર કરે છે. અમે દરેક પક્ષકારોને સ્થિતિનો ઉકેલ શાંતિપુર્વક અને મંત્રણા દ્વારા લાવવા અપીલ કરીએ છીએ. કારાકાસ ખાતેનું ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના લોકો સાથે સંપર્કમાં છે અને તમામ સહાય ઉપલબ્ધ કરાવવાનું જારી રાખશે.

શનિવાર રાત સુધી તો ભારતે કોઇ નિવેદન જારી કર્યું નહોતું. શનિવારે રાત્રે માંડ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરતાં જણાવ્યું હતું કે ભારતીયો જરૂર ન હોય તો વેનેઝુએલાનો પ્રવાસ ન કરે. વેનેઝુએલામાંના ભારતીયો કોઇપણ સ્થિતિમાં કારાકાસ ખાતેની ભારતીય એમ્બેસીનો સંપર્ક કરે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter