લંડનઃ ભારત સાથેના મુક્ત વેપાર કરાર અંતર્ગત વડાપ્રધાન રિશી સુનાક હજારો ભારતીયોને સ્ટુડન્ટ વિઝાની જોગવાઇ કરે તેવી શંકા સામે ટોરી સાંસદોમાં વિરોધની લાગણી પ્રવર્તી રહી છે. આગામી સપ્તાહોમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર સમજૂતિ સધાય તેવી સંભાવના છે જેમાં યુકે સરકાર હજારો વિઝા જારી કરવાને લીલી ઝંડી આપે તેવી સંભાવના જોવાઇ રહી છે.
ટોરી નેતાઓમાં એવો ભય પ્રવર્તી રહ્યો છે કે યુકેના માલસામાન પર જકાતો ઘટાડવા અને યુકેની સર્વિસ ઇન્ડસ્ટ્રીને ભારતના બજારોમાં એન્ટ્રી આપવાના બદલામાં સરકારે ભારતની માગણીઓ સ્વીકારી લીધી હોવાનું મનાય છે.
ટોરી રેડ વોલ અને ટોરી સાંસદોને ભય છે કે આ રીતે પાછલા દરવાજેથી માઈગ્રન્ટસની સંખ્યામાં વધારો થશે. એક ટોરી સૂત્રે જણાવ્યું હતું કે, સુએલા બ્રેવરમેન આ મામલે સહમત નથી. હોમ સેક્રેટરી તેમની ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે પરંતુ અંતિમ નિર્ણય તો વડાપ્રધાન દ્વારા જ લેવાવાનો છે.
સાંસદોએ ચેતવણી ઉચ્ચારી છે કે તેઓ ભારત સાથેના મુક્ત વેપાર કરાર પર સંસદમાં મતદાનની ગણી કરી શકે છે. કેટલાક સાંસદોએ જણાવ્યું હતું કે, તેઓ માઇગ્રન્ટ્સની વધી રહેલી સંખ્યાના વિરોધમાં વોટ સ્ટ્રાઇક પર જઇ શકે છે. અમે માઇગ્રેશન ઘટાડવાના સરકારી વાયદાઓથી ધરાઇ ચૂક્યાં છીએ.

