લંડનઃ ભારતમાંથી વિદાય લઇ રહેલા બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર ઝડપથી નિર્ણય આવે તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે અભી બાતચીત બાકી હૈ મેરે દોસ્ત...
એક અખબારી મુલાકાતમાં એલેક્સ એલિસે જણાવ્યું હતું કે, ચોક્કસપણે ટૂંકસમયમાં બંને દેશ વચ્ચે વેપાર કરાર થઇ જશે. બંને દેશના વડાપ્રધાને પણ સ્પષ્ટ કરી દીધું છે કે મુક્ત વેપાર કરારની જરૂર છે. આ મંત્રણા સરળ નથી કારણ કે આ કરાર બે સમકક્ષ અર્થતંત્રો વચ્ચે થવાનો છે. બંને દેશના અર્થતંત્ર પણ અલગ અલગ છે. ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે. ભારતમાં માથાદીઠ આવક ઘણી ઓછી છે. જેની સામે બ્રિટિશ અર્થતંત્ર ઉદ્યોગ આધારિત છે. બંને દેશ નવા માર્કેટની શોધમાં છે. 2020થી અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચેનો વેપાર બમણો થયો છે. અમે પણ આ કરારમાં આર્થિક લાભ જોઇ રહ્યાં છીએ. મોબિલિટી અને વિઝા પરના સવાલના જવાબમાં એલિસે જણાવ્યું હતું કે, આસાન નહીં હૈ, બાતચીત અભી બાકી હૈ, મેરે દોસ્ત...
ભારતમાં વીતાવેલા અદ્દભૂત સમયને યાદ કરતાં તેમણે એક્સ(ટ્વિટર) પર એક પોસ્ટ મૂકી છે. પોતાનો કાર્યકાળ પૂરો થયાની જાહેરાત કરતા એલેક્સ એલિસે હૃદયસ્પર્શી વીડિયો જારી કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં વીતેલો સમય અદ્દભૂત રહ્યો છે. વીડિયોમાં એલેક્સે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે તો શોલે અને ચૂપકે ચૂપકે જેવી કેટલીક ફેવરિટ ફિલ્મો અંગે પણ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે કિશોર કુમારે ગાયેલું પલ પલ દિલ કે પાસ ગીત તેમનું ફેવરિટ ગીત છે. એલેક્સે કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. એલેક્સને ભારતીય વ્યંજનો ઘણા પસંદ છે તે અંગે પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે.