લંડનઃ ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બંને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ડણાવ્યું હતું કે, આ મુલાકાતમાં બંને દેશના વિવિધ સેકટરના અગ્રણી ઉદ્યોગપતિ અને બિઝનેસમેન હાજર રહ્યાં હતાં. મોદી અને સ્ટાર્મરે ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર દ્વારા સર્જાનારી તકોનો બંને દેશ વચ્ચેના વેપાર સંબંધો મજબૂત બનાવવા, મૂડીરોકાણ અને ભાગીદારીઓ વધારવામાં ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. બંને નેતાઓએ આ પ્રસંગે બંને દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું એક પ્રદર્શન પણ નિહાળ્યું હતું.
ભારતના ટોચના બિઝનેસ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ વેપાર કરારને પરિવર્તનકારી સીમાસ્થંભ ગણાવ્યો હતો. ઇન્ડસ્ટ્રી લીડર્સે જણાવ્યું હતું કે, વેપાર કરારથી ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને યુકે તેનો મજબૂત ભાગીદાર દેશ બની રહેશે.
ભારતી એન્ટરપ્રાઇઝના ચેરમેન અને ઇન્ડિયા-યુકે સીઇઓ ફોરમના કો-ચેર સુનિલ મિત્તલ ભારતીએ વેપાર કરારને આધુનિક દીર્ઘદ્રષ્ટિ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કરારથી ઇનોવેશન સરળ બનશે, બંને દેશના બજારમાં તકો વધશે અને મૂડીરોકાણમાં પણ વધારો થશે.
યુકે-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ રિચર્ડ હીલ્ડ (ઓબીઇ)એ જણાવ્યું હતું કે, આ વેપાર કરાર બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક માઇલસ્ટોન છે. બંને દેશના બિઝનેસ લાંબા સમયથી વેપાર આડેના અવરોધો દૂર કરવાની માગ કરી રહ્યાં હતાં. વેપાર કરારની સફળતા માટે અમે બંને દેશની નેતાગીરીને અભિનંદન આપીએ છે. આ વેપાર કરાર વિશ્વના પાંચમા અને છઠ્ઠા સૌથી મોટા અર્થતંત્રોના વિકાસમાં મદદ કરશે.