લંડનઃ યુકે અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર બાદ બંને દેશ વચ્ચેના વેપારમાં નવી તકો ઉભરી રહી છે. ભારતમાંથી નિકાસને વેગ પવા નિર્યાત બંધુ સ્કીમ અંતર્ગત ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા એક વિચારગોષ્ઠિનું આયોજન કરાયું હતું.
આ વાર્તાલાપમાં યુકેના સાઉથ એશિયા માટેના ટ્રેડ કમિશ્નર હરજિન્દર કાન્ગ સામેલ થયા હતા. બંને દેશ વચ્ચેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી. કાન્ગે જણાવ્યું હતું કે, હાલ યુકે અને ભારત વચ્ચેના વેપાર સંબંધ અત્યંત સકારાત્મક બન્યાં છે. વેપાર કરારમાં વિશ્વાસના કારણે અમારો ભારત સાથેનો વેપાર વધ્યો છે. હું આશા રાખુ છું કે બંને દેશ વચ્ચેના વેપાર સંબંધ વધુ મજબૂત બનશે.
વાર્તાલાપમાં કોલકાતા ખાતેના ડેપ્યુટી બ્રિટિશ હાઇ કમિશ્નર ડો. એન્ડ્રુ ફ્લેમિંગ અને યુકે ટ્રેડ પોલિસી ટીમના વરિષ્ઠ સભ્યો પણ સામેલ થયા હતા. ડો. ફ્લેમિંગે જણાવ્યું હતું કે, વેપાર કરાર પર હસ્તાક્ષર થયા બાદ ભારતથી યુકેમાં થતી નિકાસમાં 9.9 બિલિયન પાઉન્ડનો વધારો થયો છે. યુકેના ગ્રાહકો નવી બ્રાન્ડ અજમાવવા તૈયાર છે.


