નવી દિલ્હીઃ વિઝન 2035 પાર્ટનરશિપ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે સહકાર અને સુરક્ષા સંબંધો મજબૂત બનાવવા ભારત અને યુકેએ 10 વર્ષીય ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ રોડમેપની જાહેરાત કરી છે. ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશને આ અંગે માહિતી જાહેર કરી હતી.
આ રોડમેપ અંતર્ગત બંને દેશની નેશનલ સિક્યુરિટી વધારવા સાથે મળીને શસ્ત્રોના સહિયારા વિકાસ, સંયુક્ત સંશોધનો અને ડિફેન્સ ટેકનોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશ સાથે મળીને જટિલ શસ્ત્ર પ્રણાલિઓ, યુદ્ધ વિમાન અને જહાજો માટેના એન્જિન પણ તૈયાર કરશે.
ભારત અને યુકે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન કેપેબિલિટી પાર્ટનરશિપ અને જેટ એન્જિન એડવાન્સ કોર ટેકનોલોજીમાં સહકાર વધારવા સહમત થયાં છે. ઇન્ડો-પેસિફિક ઓશન યોજના અંતર્ગત બંને દેશ રિજિયોનલ મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરશે. આ સેન્ટર હિન્દ મહાસાગરમાં મેરીટાઇમ સિક્યુરિટી જોખમો સામે પગલાં લેવામાં અન્ય દેશોને મદદ કરશે.
આ ઉપરાંત બંને દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતો વધારવા સહમતિ સધાઇ છે. યુકેએ ભારતને બ્રિટિશ સશસ્ત્રદળો માટેના રિજિયોનલ લોજિસ્ટિક હબ તરીકે માન્યતા આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.