લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં એક ચર્ચા દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચે હાલમાં ચાલી રહેલી વેપાર કરાર મંત્રણાઓમાં ફક્ત હંગામી બિઝનેસ મોબિલિટી વિઝાનો મુદ્દો સામેલ છે. સ્ટુડન્ટ વિઝા સહિતના અન્ય કેટેગરીના વિઝા મામલે કોઇ ચર્ચા થઇ રહી નથી. હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રસ્તાવિત વેપાર કરાર મુદ્દે સ્પષ્ટતા માગવામાં આવતાં ચર્ચાનું આયોજન કરાયું હતું.
હાઉસ ઓફ લોર્ડ્સમાં સરકારના વ્હિપ તરીકે લોર્ડ સોની લિઓન્ગે પોતાની ક્ષમતા અનુસાર વિવિધ સવાલના જવાબ આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વેપાર કરાર મંત્રણામાં ફક્ત બિઝનેસ મોબિલિટી વિઝાને જ સમાવવિમાં આવ્યાં છે. બિઝનેસ વિઝા મર્યાદિત, હંગામી અને ચોક્કસ હેતૂ માટે આપવામાં આવે છે. આ વિઝા વિદેશમાં સેવા આપતા યુકેના નિકાસકારોને પણ લાભકારક છે. વેપાર કરારમાં સ્ટુડન્ટ વિઝા સામેલ કરાયાં નથી.
લોર્ડ સોની લિઓન્ગના પત્ની ગીતા ભારતીય મૂળના છે. તેમણે ભારત સાથેના આ કનેક્શનની નોંધ લેતાં જણાવ્યું હતું કે, આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ભારતમાં પ્રિમિયર લીગ અને યુકેમાં બોલીવૂડ ફિલ્મોના મોટા માર્કેટ સાથે કરોડો લોકો સંકળાયેલા છે. હું અને મારી પત્ની વીકએન્ડમાં બોલીવૂડની ફિલ્મોનો આનંદ માણીએ છીએ.