લંડનઃ ભારત યુકેની નવી લેબર સરકાર સાથે લાંબાસમયથી જેની રાહ જોવાઇ રહી છે તે મુક્ત વેપાર કરાર કરવા માટે આશાવાદી છે પરંતુ ભારતે બ્રિટનને ચેતવણી આપી છે કે મંત્રણાઓ શરૂ કરવા માટેની સમયમર્યાદા લાદીને બ્રિટન અમારા માથા પર બંદૂક તાકવાનો પ્રયાસ ન કરે.
ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, બંને પક્ષ વેપાર કરારના મોટાભાગના મુદ્દા પર ચર્ચા કરી ચૂક્યાં છે. વેપાર કરાર પર ઝડપથી મંજૂરીની મહોર વાગે તેવી સંભાવના છે. પરંતુ યુકે બોરિસ જ્હોન્સને કરેલી ભૂલનું પુનરાવર્તન ન કરે. અત્રે ઉલ્લેખનીય છે કે બોરિસ જ્હોન્સને 2022ના પ્રારંભે વચન આપ્યું હતું કે, વેપાર કરાર પર 6 મહિનામાં જ નિર્ણય લઇ લેવાશે.
ગોયલે જણાવ્યું હતું કે, ભારત નથી માનતો કે કોઇપણ મુક્ત વેપાર કરાર માટે મંત્રણાઓ કરવાની સમયમર્યાદા હોવી જોઇએ. અમે ક્યારેય અમારા માથા પર બંદૂક તાકીને મુક્ત વેપાર કરાર પર મંત્રણાઓનું દબાણ કરવામાં આવે તો ચર્ચા કરતા નથી.
ગોયલે જણાવ્યું હતું કે, લેબર પાર્ટીએ અમને વચન આપ્યું હતું કે, જો તે ચૂંટાઇ આવશે તો મુક્ત વેપાર કરાર પર મંત્રણા જારી રહેશે. પરંતુ અમે મંત્રણાઓમાં કોઇ પ્રકારની ઉતાવળ કરવા માગતા નથી. કોઇપણ વેપાર કરાર સમાન તકો સાથેનો સંતુલિત અને પારદર્શક હોવો જોઇએ.


