લંડનઃ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે બ્રિટન તેના વિઝા માળખામાં બહુ નજીવા સુધારા કરશે અને ભારતે આ વાત સ્વીકારી લીધી છે. નવા નિયમોને પગલે દર વર્ષે ભારતીય કામદારોને જારી કરાતા વિઝામાં 100નો વધારો કરાશે તેમ યુકેના એક અધિકારીએ જણાવ્યું હતું.
યુકેની સરકારનું કહેવું છે કે ભારત સાથે વેપાર કરાર કરવો એ મહત્વની આર્થિક પ્રાથમિકતા છે પરંતુ જે રીતે લેબર પાર્ટીના ગઢોમાં નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટી વિદેશી કામદારોને વિઝાના મુદ્દે મતદારોને પોતાની તરફે કરવા પ્રયાસ કરી રહી છે તેથી આ મુદ્દો રાજકીય રીતે સંવેદનશીલ બની રહ્યો છે.
વેપાર કરાર માટે ભારત સરકાર પહેલેથી વિઝામાં મોટી છૂટછાટોની માગ કરી હતી હતી. યુકેના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર આઇટી અને હેલ્થ કેર સેક્ટરોમાં ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા ક્વોટાની માગ કરી રહી હતી.
આ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલા ભારતીય કામદારોને યુકેમાં લવાશે તેનો ચોક્કસ આંકડો આપવો સંભવિત નથી કારણ કે આ સંપુર્ણપણે રાજકીય મામલો બની ગયો છે.
પીયૂષ ગોયલ અને જોનાથાન રેનોલ્ડ્સ વચ્ચે બે દિવસ મંત્રણા
ભારત અને યુકેના વાણિજ્ય મંત્રીઓ પીયૂષ ગોયલ અને જોનાથાન રેનોલ્ડ્સ વચ્ચે વેપાર કરાર પર સોમવારથી બે દિવસની મંત્રણા શરૂ થઇ છે. ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રથમ દિવસની મંત્રણાને ફળદાયી ગણાવી હતી. વડાપ્રધાન સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર ભારત સાથે વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ છે. યુકેની મુલાકાત દરમિયાન પીયૂષ ગોયલે બિઝનેસ લીડર્સ સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી.