વેપાર કરારના મહત્તમ લાભ માટે ભારતીય ઉત્પાદકોએ ગુણવત્તાના ધોરણ સુધારવા પડશેઃ થિન્ક ટેન્ક

કરારથી સફળતાના દ્વાર ખુલશે, પરંતુ માત્ર ટેરિફ કાપથી નિકાસ નહીં વધેઃ જીટીઆરઆઇ

Tuesday 14th July 2026 09:16 EDT
 
 

લંડનઃ યુકે અને ભારત વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારતીય નિકાસકારો માટે બજારના નવા માર્ગો ખોલી શકે છે, પરંતુ નિકાસ ક્ષમતાનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે માત્ર ટેરિફ કાપ પૂરતો સાબિત નહીં થાય. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ થિન્ક ટેન્કે જણાવ્યું છે કે આ ઐતિહાસિક સમજૂતીનો મહત્તમ ફાયદો મેળવવા માટે ભારતે ગુણવત્તાના ધોરણો, સર્ટિફિકેશન સિસ્ટમ, લોજિસ્ટિક્સ અને ખરીદદારોના નેટવર્કને વધુ મજબૂત કરવું પડશે. આ નાણાકીય લાભો ત્યારે જ વાસ્તવિકતામાં બદલાશે જ્યારે ભારતીય ઉદ્યોગો બ્રિટનના કડક નિયમનકારી અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવા સક્ષમ બનશે.

જીટીઆરઆઇના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારતના ફૂડ એક્સપોર્ટર્સે બ્રિટનના કડક ખાદ્ય સુરક્ષા, પરીક્ષણ અને ટ્રેસેબિલિટીના ધોરણોનું પાલન કરવું અનિવાર્ય બનશે. એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોએ વૈશ્વિક સ્તરે સ્વીકૃત પ્રમાણપત્રો અને મજબૂત વ્યાપારી ભાગીદારીની જરૂર પડશે. ઓટોમોબાઈલ સેક્ટરના નિકાસકારોએ 'રૂલ્સ ઓફ ઓરિજિન' અને તકનીકી ધોરણોને પૂર્ણ કરવા પડશે. એપેરલ, લેધર અને ફૂટવેર ઉત્પાદકોએ અન્ય વૈશ્વિક સ્પર્ધકો સક્રિય થાય તે પહેલાં આ ટેરિફ લાભનો ઝડપથી ઉપયોગ કરવો પડશે.

થિન્ક ટેન્કે ચેતવણી આપી છે કે કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા સેક્ટરોમાં માત્ર ટેરિફ છૂટછાટોથી મોટો ફાયદો નહીં થાય કારણ કે યુકેમાં નિયમનકારી મંજૂરીઓ અને ગુણવત્તાના ધોરણો વધુ અગત્યના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter