લંડનઃ ભારત સાથેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓને વેગ આપવા ડાઉનિંગ સ્ટ્રીટના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમને નવી દિલ્હી મોકલવામાં આવી છે. ટીમે સંકેત આપ્યો છે કે સરકાર ભારત સાથેના વેપાર કરારને આગામી 3 મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવા માગે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, મોદી સરકાર ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં વેપાર કરાર કરવા ઉત્સુક છે. ભારતમાં ફેબ્રુઆરીના અંતથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર ધમધમવા લાગશે. યુકેમાં પણ વડાપ્રધાન રિશી સુનાક આગામી વર્ષે સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં જનતા સમક્ષ બ્રેક્ઝિટ દ્વારા મળેલા લાભો રજૂ કરવા ઉત્સુક રહેશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, વેપાર કરાર થવાની દિશામાં ઝડપથી કામગીરી ચાલી રહી છે અને બંને દેશમાં સંસદની ચૂંટણીઓ પહેલાં વેપાર કરાર સંભવ બની રહેશે. બંને દેશ આ કરાર માટે ઉત્સુક છે.

