લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ મીડિયામાં વારંવાર કહેવામાં આવે છે કે ભારતીય નાગરિકોને વધુ વિઝા આપવાની માગ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને અમલી બનાવવા આડેનો મુખ્ય અવરોધ છે પરંતુ ભારત સરકાર માટે તે ટોચની પ્રાથમિકતા નથી.
લંડનમાં આયોજિત ઇન્ડિયા ગ્લોબલ ફોરમના પ્રથમ સેશનને સંબોધિત કરતા દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમારા માટે મુક્ત વેપાર કરાર માટે વિઝા ટોચની પ્રાથમિકતા નથી. અમે બંને દેશ વચ્ચેના વેપાર કરારને યુકેમાં ભારતીયોને લાવવા માટેના માધ્યમ તરીકે જોતાં નથી. હાલ યુકેમાં ભારતીય કંપનીઓની 970 કરતાં વધુ શાખા કામ કરી રહી છે અને તેઓ ઇચ્છે છે કે તેમના કર્મચારીઓ સરળતાથી આવન જાવન કરી શકે.
સ્ટુડન્ટ વિઝા પર દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, યુકેમાં પોસ્ટ સ્ટડી વિઝા આપવા કે નહીં તેનો નિર્ણય લેવાનો અધિકાર બ્રિટિશ જનતા અને સરકારને છે. અમે એમ નથી કહી રહ્યાં કે પોસ્ટ સ્ટડી વિઝાને મુક્ત વેપાર કરારનો મહત્વનો હિસ્સો બનાવવામાં આવે. યુકેમાં અભ્યાસ કરવા આવવું કે નહીં તેનો નિર્ણય ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં મળતી તકોના આધારે લઇ શકે છે.


