વેપ્સ માટે લલચાવી બાળકોનું જાતીય શોષણ કરતા અપરાધીઓથી સાવધાન

પોલીસે વાલીઓને તેમના બાળકોની ઇન્ટરનેટ પ્રવૃત્તિઓ પર નજર રાખવા ચેતવણી આપી

Tuesday 23rd April 2024 11:05 EDT
 

લંડનઃ માતાપિતાઓએ પોતાના બાળકો માટે સાવધાની રાખવાની જરૂર છે. અપરાધીઓ બાળકોને મફતમાં વસ્તુઓ અપાવવાના બહાને વેપ શોપ્સ માટે લલચાવી રહ્યાં છે. આ માટે તેઓ પહેલાં સહેલાઇથી શિકાર બને તેવા બાળકોની સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પર શોધ ચલાવે છે અને તેમના સકંજામાં ફસાયા બાદ બાળકોને બ્લેકમેલ કરે છે.

પોલીસે ચેતવણી આપી છે કે આ પ્રકારના અપરાધીઓ તરફથી બાળકોનું જાતીય શોષણ થવાનું જોખમ હોય છે અને તેઓ તેમની પાસે અપરાધિક પ્રવૃત્તિઓ પણ કરાવે છે. પોલીસે વાલીઓને તેમના સંતાનો સાથે તેમના સ્નેપચેટ લાઇવ લોકેશન શેરિંગ સેટિંગ્સ અંગે વાત કરવા જણાવ્યું છે.

ઘણા બાળકો લોકપ્રિય એપ્સમાં જીપીએસ ટ્રેકિંગને પરવાનગી આપે છે જેથી તેમના મિત્રો જોઇ શકે કે તેઓ કયા સ્થળે છે. આ ફિચરનો અપરાધીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ આ પ્રકારના અપરાધીઓ સામે ઓપરેશન એવરો નામનું અભિયાન ચલાવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં બાળકોના જાતીય શોષણ, બળાત્કાર, અશ્લિલ તસવીરો રાખવા અને ડ્રગ્સ રાખવા સહિતના આરોપોસર 33 અસામાજિક તત્વોની ધરપકડ કરી છે.

પોલીસ ગેરકાયદેસર રીતે વેપ્સ વેચતી દુકાનો પર પણ ત્રાટકી રહી છે. વેપ્સ મેળવવા માટે બાળકો આ પ્રકારના અપરાધીઓના જાતીય શોષણનો ભોગ બનતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter