વેપ્સનું વેચાણ પ્રિસ્ક્રિપ્શન આધારિત બનાવવા ડોક્ટરોની માગ

સગીરોને વેપ્સનું વેચાણ સંપુર્ણ પ્રતિબંધિત કરવા સરકારને અપીલ

Tuesday 09th January 2024 11:09 EST
 

લંડનઃ શ્વાસની બીમારીઓના નિષ્ણાત ડોક્ટરોએ માગ કરી છે કે બાળકોને બચાવવા માટે વેપ્સનું વેચાણ પ્રિસ્ક્રિપ્શન આધારિત કરવું જોઇએ. 17 જેટલાં અગ્રણી ડોક્ટરોએ સરકારને પત્ર લખીને બાળકો અને યુવાઓને વેપિંગના દુષણથી બચાવવા માટે પગલાંની માગ કરી છે. વેપિંગના કારણે થતી બીમારીઓ માટે સારવાર લેનારા બાળકો અને યુવાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. માર્કેટમાં ડિસ્પોઝેબલ વેપ્સ આવ્યા બાદ સગીરોમાં વેપિંગનો દર ઊંચો ગયો છે.

બીજીતરફ ટોબેકો કંપનીઓ યુકેમાં વેપિંગને પ્રોત્સાહન આપતા પ્રયાસો સાથે સંકળાયેલી છે. આ કંપનીઓ બાળકોને વેપિંગથી દૂર રાખવાના નિયંત્રણો અટકાવવાનું કામ પણ કરી રહી છે. ડોક્ટરોએ સૌથી પહેલાં તો 18 વર્ષથી નાના બાળકો અને સગીરોને વેપ્સનું વેચાણ સંપુર્ણ પ્રતિબંધિત કરવા માગ કરી છે. તે ઉપરાંત પુખ્તોને પણ પ્રિસ્ક્રિપ્શનના આધારે જ વેપનું વેચાણ કરવાનો નિયમ લાવવા સૂચન કર્યું છે. તેમણે ડેસ્પોઝેબલ વેપ્સના વેચાણ પર સંપુર્ણ પ્રતિબંધ લાદવાની માગ કરી છે.

ડોક્ટરોએ પત્રમાં જણાવ્યું છે કે ટોબેકો અને વેપિંગ કંપનીઓની અનૈતિકતાના કારણે અમને આ પત્ર લખવાની ફરજ પડી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ઇ-સિગારેટને હાનિકારક ગણાવી તેના પર નિયંત્રણો લાદવા સૂચન કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter