લંડનઃ વેમ્બલી સ્થિત શિવ મંદિરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે. તેણે મંદિરની બહાર જૂતા ઉતારવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ મૂર્તિ ફેંકવાનો પ્રયાસ કરી દીવા તોડી નાખ્યાં હતાં. શનિવારે મસ્જિદની નજીક આવેલા યુનિયન રોડ પરના ઇલાપથીસ્વરાર અલયમ મંદિરમાં એક અશ્વેત વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. તેણે હૂડી અને માસ્ક પહેરી રાખ્યાં હતાં અને તેના હાથમાં એક પુસ્તક હતું.
દક્ષિણ ભારતીય પરંપરાના આ મંદિરની સ્થાપના કરનાર શ્રીલંકન મૂળના રાજાસિંઘમ જયદેવને જણાવ્યું હતું કે, મંદિરના સ્ટાફે આ વ્યક્તિને જૂતા ઉતારવા અને હૂડી કાઢી નાખવા જણાવ્યું હતું. તેથી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો પરંતુ થોડા સમય બાદ ફરી મંદિરમાં ઘૂસી આવ્યો હતો અને લક્ષ્મી માતાની મૂર્તિ ઉઠાવીને ફેંકવા જતો હતો ત્યારે મંદિરના મેનેજરે તેના હાથમાંથી મૂર્તિ છીનવી લીધી હતી. ત્યારબાદ તે નવગ્રહ સ્ટેન્ડ પાસે ગયો હતો અને ત્યાં રહેલા દીવાને નવગ્રહ પ્રતિમાઓ પર ફેંક્યો હતો. ત્યારબાદ મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓએ તેને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ દરમિયાન તે કુરાનની આયાતો બોલી રહ્યો હતો. તેણે ધરપકડ કરવા આવેલા પોલીસ અધિકારી પર પણ હુમલો કર્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીના બપોરે દોઢ કલાકે અમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ વેમ્બલીના હિન્દુ મંદિરમાં ઉત્પાત મચાવી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને 22 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.


