લંડનઃ વેમ્બલીમાં ભારતીય બિઝનેસો પર અસામાજિક તત્વોના હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ સર્જી દીધો છે. વેમ્બલીના બિઝનેસ માલિકોનો આરોપ છે કે સંખ્યાબંધ હુમલા બાદ તેઓ તણાવ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. શોપ્સને વ્યાપક નુકસાન કરાયું હોવા છતાં મેટ્રોપોલિટન પોલીસ દ્વારા હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.
ઇંલિંગ રોડ પર તાજેતરના સપ્તાહોમાં અસામાજિક તત્વોના જૂથો દ્વારા બિઝનેસોને અપરાધિક નુકસાન કરાયું છે. સંખ્યાબંધવાર પોલીસને બોલાવવામાં આવી હતી. સૂરજ સ્વીટ માર્ટ, પાનેસર ફૂડ એન્ડ વાઇન અને માણેકચોક ઇન્ડિયન રેસ્ટોરન્ટ પર માર્ચના પ્રારંભે હુમલા કરાયા હતા. પોલીસનું કહેવું છે કે અમે તપાસ કરી રહ્યાં છીએ.
બિઝનેસ માલિકોનો આરોપ છે કે આ પ્રકારના હુમલાના કારણે અમારા બિઝનેસ પ્રભાવિત થઇ રહ્યાં છે. માણેકચોક ઇન્ડિયન રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે, 5 માર્ચની રાત્રે તોફાની ટોળાએ રેસ્ટોરન્ટમા ભારે તોડફોડ મચાવી હતી. અમે પોલીસને બોલાવી હતી પરંતુ તેની કાર્યવાહી નિરર્થક હતી. અહીં કોઇ પ્રકારની સુરક્ષા નથી. કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. હુ બરાબર સૂઇ શક્તો નથી. બિઝનેસને અસર થઇ રહી છે. અમે નાણા, ગ્રાહકો અને કર્મચારીઓ ગુમાવી રહ્યાં છીએ.
કેટલાક ટ્રેડર્સ અને સ્થાનિક રહેવાસીઓએ આરોપ મૂક્યો છે કે હિન્દુઓની માલિકીના બિઝનેસને નિશાન બનાવવામા આવી રહ્યાં છે. જોકે પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક બનાવોમાં હિન્દુ બિઝનેસને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે જ્યારે અન્યોને અસર થઇ નથી.
આ વિસ્તારના પોલીસ વડા ચીફ ઇન્સ્પેક્ટર યયુ ઝાંગે જણાવ્યું હતું કે, અમે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને પોલીસ સમુદાયના અગ્રણીઓ સહિતના લોકો સાથે મળીને કામ કરી રહી છે જેથી જનતા સુરક્ષા અનુભવી શકે.


