લંડનઃ ઉત્તર લંડનના વેમ્બલીમાં આવેલી વંદાઓથી ખદબદતી મિલકતમાં 10 મહિનાના બાળક સહિત 21 લોકોને જોખમી હાલતમાં રાખવા બદલ બે પ્રોપર્ટી મેનેજરોને 100,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભાડૂઆતોએ બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ પોતાની આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી.
મિલકતના લાયસન્સ ધારક મીત વાળંદ પર મંજૂર થયેલી ક્ષમતા કરતાં બમણા લોકોને રાખવાનો આરોપ પુરવાર થયો છે. કોર્ટે વાળંદને સાત ગુનાઓમાં દોષિત ઠેરવી 40,000 પાઉન્ડનો દંડ, 2,000 પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ અને 3,183.85 પાઉન્ડ પ્રોસિક્યુશન પ્રોસેસિંગ ફી પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ કેસમાં મિલકતનું સંચાલન અને ભાડું ઉઘરાવવાનું કામ કરતા વિસ્પાપ સરકારી અનેક બોગસ નામો અને સહયોગીઓ સાથે જોડાયેલો હતો. ફાયર એલાર્મ, ઈમરજન્સી એસ્કેપ રૂટ, તૂટેલા પોર્ચ ડોર અને બાથરૂમના ફિક્સર જેવી પ્રાથમિક સુરક્ષાઓ પૂરી પાડવામાં તે નિષ્ફળ રહ્યો હતો. સરકારીને 50,000 પાઉન્ડનો દંડ, 2,000 પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ અને 3,183.85 પાઉન્ડ કોર્ટ ખર્ચ પેટે ચૂકવવાનો હુકમ કરાયો છે, તેમજ તેની સામે મિલકત સંચાલન પર પ્રતિબંધ લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.


