વેમ્બલીમાં સુદાની ગેંગનો આતંકઃ ભારતીય દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકો ભયભીત

માણેકચોક ઇન્ડિયન રેસ્ટોરન્ટ, પાનેસર ફૂડ એન્ડ વાઇન શોપ પર ગેંગના હુમલા, ઇલિંગ રોડ પર ગુજરાતીને ચાકુ મરાયું

Tuesday 17th March 2026 11:24 EDT
 
 

લંડનઃ વેમ્બલીમાં શંકાસ્પદ સુદાની ગેંગોના આતંકના કારણે ભારતીય મૂળના દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે. આ ગેંગો ભારતીયોની માલિકીની દુકાનો અને રેસ્ટોરન્ટને નિશાન બનાવીને હુમલા કરી રહ્યાં છે. ગયા સપ્તાહમાં હેરોમાં એક ગેંગ દ્વારા હોળીની ઉજવણી કરી રહેલા લોકો પર હુમલો કરાયો હતો. વેમ્બલીના દુકાન માલિકોને શંકા છે કે આની પાછળ એજ ગેંગ જવાબદાર છે.

5 માર્ચ અને 7 માર્ચના  રોજ વેમ્બલીના ઇલિંગ રોડ પર સ્થિત માણેકચોક ઇન્ડિયન રેસ્ટોરન્ટ પર બે વાર હુમલો કરાયો હતો. ચહેરા પર માસ્ક લગાવીને આવેલા આ તોફાનીઓએ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ કરી હતી. નજરે જોનાર બ્રિટિશ ભારતીય દુકાનદારે જણાવ્યું હતું કે, આની શરૂઆત ટ્રેડર્સ વેમ્બલી ખાતેથી થઇ હતી. જેમાં દમણ અને દીવના 3 વ્યક્તિને ટોઇલેટમાં માર મારવામાં આવ્યો હતો. હુમલો કરનારા સોમાલિયન ગેંગના સભ્યો હતા. ત્યાબરબાદ તેમણે માણેકચોક રેસ્ટોરન્ટને નિશાન બનાવી હતી. આ ગેંગમાં 15થી 20 લોકો હતાં. તેઓ મસ્જિદ એરિયામાંથી આવ્યા હતા અને રેસ્ટોરન્ટમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. તેમને અટકાવવા જનાર એક ભારતીય પર પણ હુમલો કર્યો હતો.

6 માર્ચના રોજ હેરો રોડ પર આવેલી પાનેસર ફૂડ એન્ડ વાઇન શોપમાં માસ્ક પહેરેલી ગેંગના સભ્યોએ ફળો અને શાકભાજીના બોક્સની લૂટ ચલાવી હતી. એવું લાગી રહ્યું હતું કે તેમને આ તોડફોડ માટે નાણા ચૂકવાયા હતા. બંને હુમલા વખતે પોલીસ આવે તે પહેલાં તોફાનીઓ નાસી ગયાં હતાં.

સોમવારે રાત્રે ઇલિંગ રોડ પર એક ગુજરાતીને ચાકુ મારવામાં આવ્યું હતું. બ્રેન્ટ કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લોકલ બિઝનેસો પરના હિંસક હુમલા જરાપણ સ્વીકાર્ય નથી. બ્રેન્ટમાં આ બધું સાંખી લેવાશે નહીં. જેમની પાસે માહિતી હોય તેઓ પોલીસનો સંપર્ક કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter