લંડનઃ નોર્ધમ્પટનશાયરના ઐતિહાસિક માર્કેટ ટાઉન વેલિંગબરોના મેયરપદે ભારતીય મૂળના 37 વર્ષીય રાજ મિશ્રા ચૂંટાઇ આવ્યા છે. ભારતના ઉત્તરપ્રદેશના ખેડૂતપુત્ર રાજ મિશ્રાએ આ સાથે ઇસ્ટ મિડલેન્ડ્સમાં ઇતિહાસ રચ્યો છે.
રાજ મિશ્રા વિક્ટોરિયા વોર્ડમાંથી 6 મેના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે સ્થાનિક કાઉન્સિલમાં ચૂંટાઇ આવ્યા હતા. ટાઉન કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં તેમને નવા મેયર તરીકે ચૂંટી કઢાયા હતા. મિશ્રાએ જણાવ્યું હતું કે, વેલિંગબરોના મેયર તરીકેની કામગીરી સન્માનની વાત છે. હું વાઇબ્રન્ટ અને સમૃદ્ધ કોમ્યુનિટી તૈયાર કરવા તમામ રહેવાસીઓ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છું. આપણે સાથે મળીને આપણા ટાઉનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીશું.
તેમણે જણાવ્યું હતું કે, મારી સફળતાના મૂળમાં દરેકને સાંભળવાનું વલણ, વિશ્વસનીય કામગીરી રહેલાં છે. હું મારા વિસ્તારની અદ્વિતિય જરૂરીયાતો સમજી શકું છું. મારા ટાઉનમાં સકારાત્મક બદલાવ માટેના પગલાં લેવા પ્રતિબદ્ધ છું.