લંડનઃ છેલ્લા બે વર્ષમાં બ્રિટને વિશ્વના કોઇપણ દેશ કરતાં વધુ બિલિયોનર્સ ગુમાવ્યાં છે. સરકાર દ્વારા વેલ્થ ટેક્સ લાગુ કરાશે તો વધુ બિલિયોનર્સ બ્રિટન છોડી જાય તેવો ભય સેવાઇ રહ્યો છે. 2023 અને 24માં યુકેમાંથી 18 બિલિયોનર્સ સ્થળાંતર કરી ગયાં છે જેની સામે ચીનમાંથી 12 અને રશિયામાંથી 8 બિલિયોનર્સે સ્થળાંતર કર્યું હતું.
ઓક્ટોબર 2024માં રજૂ કરેલા બજેટમાં ચાન્સેલર રેચલ રીવ્ઝે નોન ડોમ રેસિડેન્ટ્સને મળતી ટેક્સ રાહતો સંપુર્ણપણે હટાવી લીધી હતી. તે ઉપરાંત તેમણે યુકેમાં 10 કરતાં વધુ વર્ષથી વસવાટ કરતા અમીર વિદેશીઓની વૈશ્વિક સંપત્તિ પર પણ ટેક્સ વસૂલવાની જાહેરાત કરી હતી.
વિન્ટર ફ્યુઅલ એલાઉન્સ અને વેલ્ફેર રિફોર્મ્સમાં પીછેહઠના કારણે સરકારી તિજોરી પર મોટો બોજો પડી રહ્યો છે ત્યારે લેબર સરકાર વેલ્થ ટેક્સ લાદવા વિચારણા કરી રહી છે. મોટી સંખ્યામાં અમીરો દેશ છોડીને જઇ રહ્યાં હોવા છતાં વડાપ્રધાન સ્ટાર્મરે વેલ્થ ટેક્સ લાદવા મક્કમતા વ્યક્ત કરી છે.
ઇનહેરિટન્સ ટેક્સથી બચવા અમીરો જીવન વીમા પોલિસીઓ લેવા લાગ્યા
ચાન્સેલર રીવ્ઝ દ્વારા લાગુ કરાયેલા ઇનહેરિટન્સ ટેક્સથી બચવા માટે ધનવાન પરિવારો જીવન વીમા પોલિસીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. ફાઇનાન્સિયલ એડવાઇઝરોના જણાવ્યા અનુસાર ઇનહેરિટન્સ ટેક્સ મામલામાં જીવન વીમા પોલિસી અંગેની ઇન્કવાયરી બમણી થઇ છે. જીવન વીમા પોલિસી ખર્ચાળ છે તેમ છતાં મૃત્યુ થાય ત્યારે વળતર પ્રાપ્ત થાય છે અને તેને ટ્રસ્ટમાં પણ મૂકી શકાય છે જેથી તે ઇનહેરિટન્સ ટેક્સમાંથી બચી શકે છે.