લંડન
વેલ્શના હેલ્થ બોર્ડ દ્વારા ભારતમાં પહેલીવાર આયોજિત ભરતી મેળામાં 107 ભારતીય નર્સોને નોકરી અપાઇ છે. સ્વાનસી બે યુનિવર્સિટી હેલ્થ બોર્ડ દ્વારા કેરળના કોચી ખાતે હોસ્પિટલોમાં નર્સોની અછત નિવારવા આ ભરતી મેળો યોજાયો હતો. નિયુક્ત થયેલી નર્સોમાં મેડિકલ, સર્જિકલ અને થિયેટર નર્સોનો સમાવેશ થાય છે. કેટલીક નર્સ તો 15 વર્ષ સુધીનો અનુભવ ધરાવે છે. તેઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં યુકે પહોંચી જશે અને એક મહિનાની તાલીમ બાદ એપ્રિલથી કામગીરીનો પ્રારંભ કરશે.
બોર્ડે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નિવૃત્તિ અને અન્ય કારકિર્દી માટે નોકરી છોડવાના કારણે બેન્ડ ફાઇવ નર્સોની અછત વર્તાઇ રહી છે. બોર્ડ દ્વારા નવી નિયુક્ત થયેલી નર્સોને 3 મહિના સુધી રહેવાની વ્યવસ્થા કરી અપાશે જેથી તેઓ પોતાના માટે રહેવાની વ્યવસ્થા કરી શકે. કુલ 119 નર્સના ઇન્ટર્વ્યુ લેવાયાં હતાં જેમાંથી 107ની પસંદગી કરાઇ હતી. લીન જોન્સના જણાવ્યા અનુસાર અમે વિદેશોમાંથી નર્સોની ભરતી માટે પર્સનલ ઇન્ટર્વ્યુ કરી રહ્યાં છીએ. કોરોના મહામારી દરમિયાન અમે આ કામગીરી સ્થગિત કરી હતી.
કોચીમાં ભરતીમેળા દરમિયાન અમે ઉમેદવારોને વ્યક્તિગત રીતે મળી 1 થી 15 વર્ષનો અનુભવ ધરાવતા સારા ઉમેદવારોની પસંદગી કરી શક્યાં હતાં. હાલ અમારું બોર્ડ દર પાંચ સપ્તાહમાં 32 આંતરરાષ્ટ્રીય નર્સોને નિયુક્ત કરી રહ્યું છે. અમે નર્સોની અછત દૂર કરવા તરફ આગળ વધી રહ્યાં છીએ. સમગ્ર યુકેમાં નર્સોની અછત વર્તાઇ રહી છે.


