લંડનઃ મે મહિનાના બેંક હોલીડે દરમિયાન ઉત્તર વેલ્સના બાર્માઉથ દરિયાકિનારેથી બેભાન અવસ્થામાં મળી આવેલા એક લોકપ્રિય વિજ્ઞાન શિક્ષકના મોતના મામલાએ હવે નવો વળાંક લીધો છે. પોલીસ આ મામલાને હત્યા ગણાવીને તપાસ ચલાવી રહી છે.
મૂળ ગુજરાતના વતની અને હાલ બર્મિંગહામના એસ્ટન વિસ્તારમાં રહેતા 34 વર્ષીય રુહુલ અમીન નાના ગત 25 મેના રોજ બપોરે આશરે 3 વાગ્યે દરિયાના પાણીમાંથી અચેતન અવસ્થામાં મળી આવ્યા હતા. સહેલાણીઓએ તેમને પાણીમાંથી બહાર કાઢી કટોકટીની સ્થિતિમાં અપાતી તબીબી મદદ આપી બચાવવાના અથાક પ્રયાસો કર્યા હતા. જો કે મેડિકલ સહાય પહોંચેતે પહેલાં જ તેમનું મોત થયું હતું.
પોલીસે આ ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરતા હત્યાની આશંકા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલામાં બર્મિંગહામ વિસ્તારના જ એક 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જેની સઘન પૂછપરછ બાદ હાલ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
રુહુલ અમીન નાના બર્મિંગહામની પ્રખ્યાત બ્રોડવે એકેડેમીમાં વર્ષ 2011થી સાયન્સ ટીચર તરીકે ફરજ બજાવતા હતા. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર સ્થાનીય સમુદાય અને શાળા પરિવારમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી. તેમની અંતિમવિધિમાં સેંકડો વિદ્યાર્થીઓ, સ્ટાફના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.


