વેલ્સમાં એક રાતથી વધુ રોકાનાર પર્યટકો પર ટેક્સ લાદવા વિચારણા

પર્યટકોને પ્રતિ દિવસ 50 પેન્સથી પાંચ પાઉન્ડ સુધીનો ટેક્સ ચૂકવવો પડશે

Tuesday 04th April 2023 13:26 EDT
 
 

લંડન

વેલ્સ સરકાર દેશમાં એક રાતથી વધુ સમય રોકાનારા પ્રવાસીઓ પાસેથી વિઝિટર ટેક્સ ઉઘરાવવાની યોજના બનાવી રહી છે. આ અંગેનો ખરડો ટૂંકસમયમાં વેલ્શની સંસદ સેનેડમાં રજૂ કરાશે. વેલ્સ સરકારની આ યોજનાનો ટુરિઝમ સંસ્થાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનો આરોપ છે કે આ પ્રકારનો ટેક્સ પ્રવાસીઓને વેલ્શની મુલાકાતે આવતા અટકાવશે. જોકે વેલ્સની લેબર સરકારે જણાવ્યું છે કે વિશ્વમાં ગ્રીસ, કેટાલોનિયા, આમ્સ્ટર્ડેમ સહિતના 40 કરતાં વધુ સ્થળો ખાતે આ પ્રકારનો ટેક્સ વસૂલવમાં આવે છે.

વેલ્સ સરકારે જણાવ્યું હતું કે, વેલ્શની મુલાકાતે આવનારા અને હોટલમાં રોકાનારા પ્રવાસીઓ પાસેથી નજીવો ચાર્જ વસૂલવામાં આવશે. આ પ્રકારનો ટેક્સ ઉઘરાવવો કે નહીં તે અંગેનો નિર્ણય સ્થાનિક સત્તાવાળાઓ પર છોડાશે અને તેઓ તેમના વિસ્તારના વિકાસ માટે આ ટેક્સમાંથી થતી આવકનો ઉપયોગ કરી શક્શે. સરકારે હજુ આ ટેક્સના દર નક્કી કર્યા નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય મોડેલ આધારિત રહેશે. એક રાતના 50 પેન્સથી પાંચ પાઉન્ડ વચ્ચે આ ટેક્સના દર નક્કી કરાશે.

વેલ્સના ફાઇનાન્સ મિનિસ્ટર રેબેકા ઇવાન્સે જણાવ્યું હતું કે, ઇસ્ટરનું વેકેશન આવી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાંથી ઘણા પ્રવાસીઓ મુલાકાતે આવે તેવી સંભાવના છે. ટુરિઝમ સેક્ટરને વિકસાવવાની સાથે આપણે સ્થાનિક સમુદાયોને મદદ કરીએ તે પણ મહત્વનું છે.

તેમણે જણાવ્યું હતું કે, કેટલાક બિઝનેસને ટુરિસ્ટ ટેક્સ સામે વાંધો છે અને હું આ વાંધા રજૂ કરનારાનો આભાર માનુ છું. અમે તેમના વાંધાઓ પર ગંભીરતાથી વિચારણા કરીશું. અમે એક જવાબદાર ટુરિઝમ સેક્ટર વિકસાવવા માગીએ છીએ. જેથી પ્રવાસીઓ અને સ્થાનિક એમ બંનેને લાભ થાય. સ્થાનિક સત્તાવાળાઓ ટુરિસ્ટ ટેક્સમાંથી થનારી આવકમાંથી સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને પ્રવાસીઓને જ મદદરૂપ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter