લંડનઃ વેલ્સની સેનેડની ચૂંટણીમાં પ્લાઇડ કમરીએ ઐતિહાસિક વિજય મેળવીને છેલ્લા 100 વર્ષથી ચાલી રહેલા લેબર પાર્ટીના એકહથ્થુ શાસનનો અંત આણ્યો છે. આ સાથે જ નાઈજેલ ફરાજની રિફોર્મ યુકેની આગેકૂચને પણ રોકવામાં પ્લાઇડ કમરી સફળ રહી છે. પક્ષના નેતા રુન એપ ઈઓરવર્થ હવે વેલ્સના આગામી ફર્સ્ટ મિનિસ્ટર બનશે. વેલ્સની સેનેડમાં બહુમતી માટે 49 બેઠક આવશ્યક છે પરંતુ 43 બેઠક પ્રાપ્ત કરીને પ્લાઇડ કમરી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે લઘુમતી સરકાર રચવાની મજબૂત સ્થિતિમાં છે.
લેન્ડુડનો ખાતે વિજયી સંબોધન કરતા ઈઓરવર્થે જણાવ્યું હતું કે, આ ક્ષણ 100 વર્ષની મહેનતનું પરિણામ છે. વેલ્સની જનતાએ વિભાજનને બદલે આશા અને સ્થિરતા પર પસંદગી ઉતારી છે. અમે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચર્ચા કરીને વહેલી તકે સરકારની રચના કરીશું.
વેલ્સના રાજકારણમાં લેબર પાર્ટીનો પરાજય અત્યંત આઘાતજનક રહ્યો છે. વેલ્શ લેબરના નેતા એલોનેડ મોર્ગન યુકેના ઈતિહાસમાં એવા પ્રથમ નેતા બન્યા છે જેઓ સત્તામાં હોવા છતાં પોતાની બેઠક હારી ગયા હોય. પરાજયની સંપૂર્ણ જવાબદારી સ્વીકારતા તેમણે લેબર પાર્ટીના નેતૃત્વ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
મોર્ગને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ લેબર પાર્ટી માટે વિનાશક પરિણામ છે. બે પક્ષોના પ્રભુત્વનો યુગ હવે પૂરો થયો છે અને આપણે બહુપક્ષીય લોકશાહીના નવા યુગમાં અનુકૂલન સાધવું પડશે.
બીજીતરફ વેલ્સમાં પણ કાઠુ કાઢતાં નાઇજલ ફરાજની રિફોર્મ યુકે 34 બેઠક સાથે બીજા ક્રમે રહી છે. 2021માં વેલ્સમાં ફક્ત એક ટકા મત હાંસલ કરનાર રિફોર્મ યુકે સેનેડમાં સત્તાવાર વિપક્ષની ભુમિકામાં આવી ગઇ છે.
વેલ્સ સેનેડ પરિણામ (કુલ બેઠક – 96)
પાર્ટી – બેઠક પર વિજય
પ્લાઇડ કમરી – 43 બેઠક
રિફોર્મ યુકે – 34 બેઠક
લેબર પાર્ટી – 09 બેઠક
કન્ઝર્વેટિવ – 07 બેઠક
ગ્રીન પાર્ટી – 02 બેઠક
લિબરલ ડેમોક્રેટ – 01 બેઠક


