લંડનઃ વેલ્સમાં પેરન્ટ્સ બાળકોને મારી શકશે નહિ. યુકેમાં વેલ્સ શારીરિક શિક્ષાને પ્રતિબંધિત કરનારો બીજો દેશ બન્યો છે. વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે જાહેર કર્યું હતું કે સોમવારથી તાર્કિક શિક્ષાની કાયદેસરતાને દૂર કરવામાં આવી છે. આથી, પોતાની સારસંભાળ હેઠળના બાળકને મારનારી કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકશે અને હુમલા બદલ તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી શકાશે.
શાળાઓ, ચિલ્ડ્રન્સ હોમ, લોકલ ઓથોરિટીના બાળઉછેર ગૃહો અને ચાઈલ્ડકેર સંસ્થાઓમાં શારીરિક શિક્ષા પર પ્રતિબંધ લાગેલો જ છે. નવો કાયદો પેરન્ટ્સ અથવા પેરન્ટ્સની ગેરહાજરીમાં બાળકો માટે જવાબદાર વ્યક્તિઓ તેમજ વેલ્સની મુલાકાત લેતા તમામને લાગુ પડશે.
વેલ્સ સરકારે જણાવ્યું હતું કે બાળકો અને વેલ્સમાં બાળકોના અધિકાર માટે આ ઐતિહાસિક દિવસ છે. બાળકોને હવે વયસ્કોની સમાન જ અધિકાર મળ્યા છે. કાર્ડફ ખાતે મિનિસ્ટર્સના જણાવ્યા મુજબ પોતાની કેર હેઠળના બાળકોને તમાચો કે માર મારવો, તેમને હલબલાવી નાખવા સહિતની શારીરિક શિક્ષા કરનારા અપરાધી ગણાશે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે શારીરિક શિક્ષા કોને કહેવાય તેની યાદી બનાવવી મુશ્કેલ છે પરંતુ, શારીરિક બળથી જે પણ શિક્ષા કરાય તે ગેરકાયદે ઠરશે. જોકે, એવી ટીકા પણ થઈ છે કે નવો કાયદો બનાવનારા લોકો એમ માને છે કે તેઓ તેમના પેરન્ટ્સ કરતાં વધુ સારું જાણે છે.
સૌ પહેલા એપ્રિલ 2020માં બ્રિટિશ આઈલ્સના જર્સીએ બાળકોને મારવા પર પ્રતિબંધ લગાવ્યો હતો જ્યારે સ્કોટલેન્ડ નવેમ્બર 2020માં બાળકોને શારીરિક શિક્ષાને ગેરકાયદે ઠરાવનાર યુકેનો પ્રથમ દેશ બન્યો હતો. વિશ્વમાં સૌપ્રથમ સ્વીડને 1979માં બાળકોને શારીરિક શિક્ષા ગેરકાયદે બનાવી હતી અને હાલ 63 દેશોમાં તે ગેરકાયદે છે.


