લંડનઃ ઉત્તર વેલ્સના ગુવિનેડ ક્ષેત્રમાં આવેલા ટ્રાઉસફિનિધ નજીકના એક દુર્ગમ વિસ્તારમાં નાનકડું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર લેસ્ટરના સિસ્ટનના રહેવાસી કેતન સ્વાલી અને શીતલ સ્વાલીના મોત થયાં હતાં. તેઓ સ્ટાફોર્ડશાયર સ્થિત શેરવુડ ફ્લાઇંગ ક્લબના સભ્યો હતા. દુર્ઘટનામાં પોતાના અત્યંત લોકપ્રિય સભ્ય અને તેમની પત્નીનું અવસાન થતાં ફ્લાઈંગ ક્લબે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
ગત 14 ઓગસ્ટે નિર્ધારિત સમય મુજબ વિમાન કાર્નાર્ફોન એરપોર્ટ પર ન પહોંચતાં પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે હવાઈ અને જમીની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટાફોર્ડશાયર સ્થિત શેરવુડ ફ્લાઈંગ ક્લબે જણાવ્યું હતું કે, આ દંપતીના અવસાનથી ક્લબના અનેક સભ્યો આઘાતમાં છે. ક્લબના ચેરમેન માર્ટિન ઓલીએ જણાવ્યું હતું કે, કેતન ખૂબ જ લોકપ્રિય સભ્ય હતા અને તેમને ઉડ્ડયન વિશે વાતો કરવાનો ભારે શોખ હતો. આ મુશ્કેલ સમયે અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે.
આ દંપતી બર્ટન-અપોન-ટ્રેન્ટના ટેટનહિલ એરપોર્ટ પરથી ‘પાઇપર PA28’ વિમાન ભાડે લઈને મુસાફરી કરી રહ્યું હતું. આસિસ્ટન્ટ કોરોનર સારાહ રાઇલીએ હોમ ઓફિસના પેથોલોજિસ્ટ ડો. બ્રાયન રોજર્સના પ્રાથમિક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, દંપતીનું મૃત્યુ મેજર ઈમ્પેક્ટ ટ્રોમાના કારણે થયું છે. હાલ એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા આ અકસ્માત અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


