વેલ્સમાં ‘હકુના માટાટા’નો અર્થ ‘મોજ’ નહિ પરંતુ, તકલીફ જ તકલીફ થઈ ગયો

Wednesday 07th September 2022 06:32 EDT
 
 

લંડનઃ સ્વાહિલી ભાષામાં ‘હકુના માટાટા- Hakuna Matata’નો અર્થ ‘જરા પણ ચિંતા નહિ’ અથવા ‘કોઈ તકલીફ નથી’ અને ‘કોઈ જ વાંધો નહિ’ જેવો થાય છે. વોલ્ટ ડિઝની એનિમેશન સ્ટુડિયોની 1994ની એનિમેટેડ ફિલ્મ ‘ધ લાયન કિંગ’માં લોકપ્રિય ગીતમાં તેનો ઉપયોગ કરાયા પછી આ શબ્દગુચ્છ પ્રચલિત બન્યો છે. સ્વાહિલી ભાષામાં મોજની વ્યાખ્યા આપતો આ શબ્દ વેલ્સમાં અસંતોષનું કારણ બન્યો છે. વેલ્સના કાર્માર્થેનશાયરના ગોરલાસ ખાતે ફાર્મલેન્ડ પર બનાવાયેલા મકાન ‘હકુના માટાટા’ વિશે વાંચીને માન્ચેસ્ટરના 58 વર્ષીય કોમર્શિયલ પ્રોપર્ટી વકીલ સિમોન ચાન્ડલેરે વેલ્સના જૂનાપુરાણા સ્થળોનાં નામો ખોવાઈ ન જાય તેનું અભિયાન આદર્યું છે.

સિમોન ચાન્ડલેરેવેલ્સના જૂનાપુરાણા મકાનો અને સ્થળોનાં નામ કદી બદલી ન શકાય તેની ચોકસાઈ સાથે પ્રોપર્ટી માલિકો ઉપયોગમાં લઈ શકે તેવા કાનૂની કરારપત્રો તૈયાર કર્યા છે. વેલ્સના જૂના નકશાઓમાં ‘હકુના માટાટા’ મકાનનું બાંધકામ કરાયું હતું તે ફાર્મલેન્ડનું નામ બેન્ક કોર્નસિલ – Banc Cornciyllદર્શાવાયું છે. વેલ્સ ભાષામાં તેનો અર્થ ટીટોડી વર્ગના પક્ષીઓ માટે ગિરિમાળા એવો થાય છે. ઓર્ડેનન્સ સર્વેમાં આ વિસ્તારનો નકશો અપડેટ કરાયો ત્યારે મકાનનું નામ ‘હકુના માટાટા’ દર્શાવ્યું પરંતુ, ઐતિહાસિક વેલ્સ નામ બેન્ક કોર્નસિલની વિસ્તૃત વિગતો આપી નહિ. ચાન્ડલેર કહે છે કે જૂનું નામ બેન્ક કોર્નસિલ ખોવાઈ જવાની સાથે વેલ્સ ભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસનું પણ ધોવાણ થઈ ગયું. ઓર્ડેનન્સ સર્વે કહે છે કે તેઓ ઈમર્જન્સી સર્વિસીસ, યુટિલિટી પ્રોવાઈડર્સ અને ડિલિવરી કંપનીઓ આધાર રાખે છે તેવા નકશાઓ નિયમિત અપડેટ કરે છે અને તેના ડેટાસેટમાં વર્તમાન વપરાશમાં હોય તેવા સ્થળોના સત્તાવાર વેલ્સ નામો રાખવા માટે પ્રતિબદ્ધ છે.

ચાન્ડલેરે 6 વર્ષ અગાઉ વેલ્સ ભાષાનો અભ્યાસ શરૂ કર્યો છે અને વેલ્સ લેંગ્વેજ સોસાયટી Cymdeithas yr Iaith Gymraeg માં જોડાયો છે. ચાન્ડલેર અસ્ખલિત જર્મન બોલી શકે છે પરંતુ, તેનાથી તેની ઓળખ બદલાઈ નથી પરંતુ, વેલ્સ ભાષા શીખવા સાથે બધું બદલાઈ ગયું છે. વેલ્સ ભાષાના ચાહકો પ્રોપર્ટી ખરીદી તેને ઈંગ્લિશ નામ આપનારા લોકોને અટકાવવા માગે છે. માન્ચેસ્ટરમાં વેલ્સ લેન્ગ્વેજ ગ્રૂપ ચલાવતા ચાન્ડેલર કાનૂની કરારપત્રોના ઉપયોગથી જૂના નામોની જાળવણીમાં મદદ કરવા આગળ આવ્યા છે. આ કરારપત્ર મુજબ પ્રોપર્ટી ખરીદનાર અને તેના અનુગામીઓને ટાઈટમાંથાી નામ બદલવા પ્રતિબંધ મૂકતી જોગવાઈ મૂકવા પ્રોપર્ટી વેચનાર તેમના સોલિસિટરને કહી શકે છે. જમીન પર બંધાયેલા કોઈ પણ મકાન માટે તે જમીનનું નામ અને તે વિસ્તાર સાથે સંકળાયેલા વેલ્સ ટાઈટલને જાળવી રાખવાની શરત હતી. આ મકાન વેચવા નહિ ઈચ્છતી વ્યક્તિ લેંગ્વેજ સોસાયટી સાથે કોન્ટ્રાક્ટ પર સહી કરી નામ બદલાતું અટકાવવા લેન્ડ રજિસ્ટ્રી સાથે નોંધણી કરાવી શકે છે.

પ્લાનિંગ કાયદામાં ઐતિહાસિક સ્થળોના નામના રક્ષણ માટે 2017માં વેલ્સ પાર્લામેન્ટમાં ખાનગી બિલ લવાયું હતું પરંતુ, ત્રણ મત ઓછાં મળતા રદ થયું હતું. આ બિલમાં જે લોકો ઐતિહાસિક નામ બદલવા માગતા હોય તેમણે સંમતિ મેળવવી જરૂરી ગણાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter