વેસ્ટ મિડલેન્ડ્સના ડેલિગેશનની ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત

બ્રિટિશ ડેલિગેશને હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇવી, સ્કીલ ડેવલપમેન્ટ, એઆઇ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સહિતના સેક્ટરોમાં સહકાર માટે તત્પરતા વ્યક્ત કરી

Tuesday 24th February 2026 11:57 EST
 
 

ગાંધીનગરઃ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના મેયર રિચર્ડ પાર્કરના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતના ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુકે અને ભારત વચ્ચેના વેપાર કરાર બાદ કોઇ બ્રિટિશ ડેલિગેશનની આ પ્રથમ ગુજરાત મુલાકાત હતી.

બ્રિટિશ ડેલિગેશનમાં વેસ્ટ મિડલેન્ડ ગ્રોથ કંપનીના સીઇઓ નેઇલ રામી, ઇઓન એનર્જીના ચીફ કોમર્શિયલ ઓફિસર વિજય ટાંક, ઇન્ડિયા ગ્લોબલ ફોરમના વિલિયમ કેન તથા મનોજ લાડવા, વોર્વિક યુનિવર્સિટીના ગ્રેગ ક્લાર્ક, બર્મિંગહામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડેવિડ, જીઇડીયુના એમડી કેવિન મેકકોલે, એસ્ટન યુનિવર્સિટીના ડેપ્યુટી પ્રો વાઇસ ચાન્સેલર માર્ક લીનો સમાવેશ થતો હતો.

ડેલિગેશન સાથેની મુલાકાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશ્નર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે અને ઇન્ડેક્ષ બીના એમડી કેયૂર સંપટ હાજર રહ્યાં હતાં.

બ્રિટિશ ડેલિગેશને હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇવી, સ્કીલ ડેવલપમેન્ટ, એઆઇ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સહિતના સેક્ટરોમાં સહકાર માટે તત્પરતા વ્યક્ત કરી હતી. 2030માં ગુજરાતમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાના નિર્માણ માટે યુકેના નિષ્ણાતોના યોગદાન માટે પણ ચર્ચા કરાઇ હતી. ડેલિગેશને સીએમ પટેલને વેસ્ટ મિડલેન્ડ્સની મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટિશ ડેલિગેશનને વર્ષ 2027ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ પાઠવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter