વેસ્ટ મિડલેન્ડ્સની ફેક્ટરીઓમાં ઇમિગ્રેશન દરોડા, 12 ભારતીય ઝડપાયાં

બંને ફેક્ટરીઓને આકરો દંડ ફટકારાશે, 4ને દેશનિકાલ કરાય તેવી સંભાવના

Tuesday 16th April 2024 10:32 EDT
 
 

લંડનઃ યુકેના ઇમિગ્રેશન સત્તાવાળાઓએ વેસ્ટ મિડલેન્ડ્સની એક ફેક્ટરી પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે કામ કરતા એક મહિલા સહિત 12 ભારતીયોની ધરપકડ કરી હતી. બેડિંગ અને કેક ફેક્ટરીમાં કામ કરતા આ લોકોની વિઝા નિયમોની શરતોના ભંગ માટે ધરપકડ કરાઇ હતી.

યુકે હોમ ઓફિસના જણાવ્યા અનુસાર વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્થિત ફેક્ટરીઓમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કામ કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરાઇ હતી. બેડિંગ ફેક્ટરીમાં તપાસ કરતાં માલૂમ પ઼ડ્યું હતું કે, 7 ભારતીય પુરુષ ત્યાં ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યાં હતાં. તેવી જ રીતે નજીકમાં આવેલી કેક ફેક્ટરીમાં પણ તપાસ દરમિયાન 3 ભારતીય પુરુષ અને એક મહિલા ગેરકાયેદસર રીતે કામ કરતાં ઝડપાઇ ગયાં હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા કામદારો પૈકીના 4 ભારતીયોને દેશનિકાલ કરાશે જ્યારે અન્ય 8ને જામીન પર મુક્ત કરાયાં હતાં. તેમને નિયમિત રીતે હોમ ઓફિસમાં હાજરી પૂરાવવાના આદેશ અપાયાં છે.

બેડિંગ અને કેક ફેક્ટરીના માલિકોને પણ ગેરકાયદેસર કામદારો રાખવા માટે મોટો દંડ ફટકારવામાં આવશે. સરકારના મંત્રી ટોમ લિનસને જણાવ્યું હતું કે, અમે ઇમિગ્રેશન કાયદાના કડક અમલ માટે સક્રિય થઇ રહ્યાં છીએ. યુકેમાં રહેવા અને કામ કરવાનો અધિકાર નહીં ધરાવતા લોકો સામે કડ઼ક પગલાં ભરતા અને દેશનિકાલ કરતાં અમે ખચકાઇશું નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter