વેસ્ટ મિડલેન્ડ્સમાં 'IGF સ્માર્ટર રિજિયન્સ ફોરમ' સાથે યુકે-ઈન્ડિયા વીકનો પ્રારંભ

વેસ્ટ મિડલેન્ડ્સ અને ગુજરાત વચ્ચેના સંબંધો માત્ર ભાવનાત્મક નથી પરંતુ તે બંને પ્રદેશોની આર્થિક ક્ષમતા પર આધારિતઃ મનોજ લાડવા

Tuesday 23rd June 2026 10:18 EDT
 
 

લંડનઃ  ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) ના પ્રતિષ્ઠિત 'યુકે-ઈન્ડિયા વીક 2026'નો વેસ્ટ મિડલેન્ડ્સમાં 'સ્માર્ટર રિજિયન્સ ફોરમ' સાથે ભવ્ય પ્રારંભ થયો છે. યુકે-ભારતના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં આ વાર્ષિક મંચની આ 10મી સૌથી મોટી અને મહત્વપૂર્ણ આવૃત્તિ છે.

વોરવિક યુનિવર્સિટી ખાતે આયોજિત ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત અને વેસ્ટ મિડલેન્ડ્સ વચ્ચે ઉભરી રહેલી પ્રાદેશિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સરકાર, ઉદ્યોગજગત, શિક્ષણવિદો અને અગ્રણી વ્યાપારી નેતાઓ એક મંચ પર એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમ 'IGF સ્માર્ટર રિજન્સ એક્સચેન્જ: વેસ્ટ મિડલેન્ડ્સ 2026'નો એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુકે-ભારત વચ્ચેના સંબંધોની ગતિશીલતાને રોકાણ, ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ક્લીન એનર્જી અને લાઇફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક સહયોગમાં બદલવાનો છે.

આ ફોરમમાં ગુજરાત સરકારના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો, જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મમતા વર્મા તેમજ મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિક્રાંત પાંડે (IAS) સામેલ હતા. ગુજરાત સરકારના આ પ્રતિનિધિમંડળની મુલાકાત બંને પ્રદેશો વચ્ચે તાજેતરમાં થયેલા આદાનપ્રદાનને આગળ ધપાવે છે અને યુકે-ઈન્ડિયા ગ્રોથ કોરિડોરના વિકાસમાં 'રાજ્ય-થી-પ્રદેશ' ભાગીદારીના વધતા મહત્વને રેખાંકિત કરે છે.

ઉદ્ઘાટન ચર્ચા દરમિયાન ગુજરાત અને વેસ્ટ મિડલેન્ડ્સ ઉદ્યોગ, રોકાણ, ઇનોવેશન અને કૌશલ્યના ક્ષેત્રમાં ઊંડા સહયોગ દ્વારા કેવી રીતે મજબૂત પ્રાદેશિક વિકાસ કોરિડોરનું નિર્માણ કરી શકે તે અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારે રાજ્યની આર્થિક વિકાસ યાત્રા પર એક વિશેષ પ્રસ્તુતિ રજૂ કરી હતી. આ ઉપરાંત, ઉત્પાદન, કાપડ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રના પ્રતિનિધિઓ માટે એક 'ફાસ્ટ-પીચ શોકેસ'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ યુકેમાં રહેલી વ્યાપારી તકોની ઓળખ કરવાનો છે.

ઈન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને ચેરમેન મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, વેસ્ટ મિડલેન્ડ્સ અને ગુજરાત વચ્ચેના સંબંધો માત્ર ભાવનાત્મક નથી પરંતુ તે બંને પ્રદેશોની આર્થિક ક્ષમતા પર આધારિત છે. એક તરફ બ્રિટનનું મેન્યુફેક્ચરિંગ હાર્ટલેન્ડ વેસ્ટ મિડલેન્ડ્સ છે જે ભવિષ્યના ઉદ્યોગો માટે પોતાને તૈયાર કરી રહ્યું છે તો બીજી તરફ ભારતનું અગ્રણી આર્થિક એન્જિન એટલે કે ગુજરાત છે, જે તેની ઉદ્યોગસાહસિકતા અને સંકલ્પ શક્તિ માટે જાણીતું છે. જ્યારે આ બંને પ્રદેશોની ક્ષમતાઓ એકસાથે આવશે, ત્યારે એક શક્તિશાળી યુકે-ઈન્ડિયા ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ થશે.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મમતા વર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત એક સ્પષ્ટ પ્રસ્તાવ સાથે વેસ્ટ મિડલેન્ડ્સમાં આવ્યું છે. અમે ભારતના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્ર હોવાની સાથે ભવિષ્યના વૈશ્વિક પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહ્યા છીએ. ક્લીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સથી લઈને ગિફ્ટ સિટી અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. વેસ્ટ મિડલેન્ડ્સ પાસે ઇનોવેશન અને લાઇફ સાયન્સમાં વિશેષ કુશળતા છે. સાથે મળીને આપણે માત્ર વેપારથી આગળ વધીને નવી ટેક્નોલોજી અને રોજગારનું સર્જન કરી શકીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter