લંડનઃ મુશ્કેલ સમયોમાં દેશમાં આશા પ્રગટાવવા પ્રાર્થનાની શક્તિનો ઉપયોગ કરવા માટે બ્રિટનના અમીરો પૈકીના એક લોર્ડ એડમિસ્ટન દ્વારા વેસ્ટ મિડલેન્ડ્સના એમ6 અને એમ42 મોટરવે વચ્ચેના ગ્રામીણ વિસ્તારમાં એક ખ્રિસ્તી સ્થાપત્યનું નિર્માણ હાથ ધરાયું છે. આ માટે લોર્ડ એડમિસ્ટન દ્વારા 30 મિલિયન પાઉન્ડનું ભંડોળ અપાશે.
તેમણે આ સ્થાપત્ય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે વર્તમાન સમયમાં દેશ ઘણી પીડા અને સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આપણને આશાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થના સાંભળવામાં આવે છે. આપણે તે યાદ રાખવું જોઇએ કારણ કે આપણે મુશ્કેલ સમયમાં જીવી રહ્યાં છીએ. ચારેતરફ અંધાધૂંધી વ્યાપેલી છે.
આ સ્થાપત્ય 2028માં તૈયાર થશે. તેનો આકાર મોબિયસ સ્ટ્રીપ જેવો અપાશે. તેને 6 માઇલ દૂરથી જોઇ શકાશે તેટલું વિશાળ હશે અને તેને ઇટરનલ વોલ ઓફ એન્સર્ડ પ્રેયર તરીકે ઓળખાશે.


