લંડનઃ વેસ્ટ મિન્સટરમાં આવેલા એક ચાઇનિઝ રેસ્ટોરન્ટના 50 ટકા કર્મચારી ગેરકાયદેસર કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં નેટફ્લિક્સ પરની સ્પાય થ્રીલર બ્લેક ડવ્ઝનું શૂટિંગ કરાયું હતું. તાજેતરમાં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા રેસ્ટોરન્ટ પર દરોડો પડાયો હતો. જેમાં 4 કર્મચારી યોગ્ય વિઝા વિના કામ કરતા ઝડપાયા હતા.
હોમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેન્ટ જેમ્સ પાર્ક ફેઇ એર કોટેજના માલિકો પ્રતિબંધ અને 2,40,000 પાઉન્ડના દંડનો સામનો કરી રહ્યાં છે. દરોડા દરમિયાન રેસ્ટોરન્ટના કીચનમાં ગેરકાયદેસર કામ કરતા 3 ચીની નાગરિક અને એક નેપાળી નાગરિકની અટકાયત કરાઇ હતી. આ રેસ્ટોરન્ટમાં કુલ 8 કર્મચારી કામ કરે છે.
હોમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ સપ્તાહના 65 કલાક કરતાં વધુ કામ કરતાં હતાં. તેનો અર્થ એ થયો કે તેઓ સપ્તાહમાં પાંચ દિવસ 12 કલાકની શિફ્ટમાં કામ કરતા હતા. તેમને પ્રતિ કલાક 12.50 પાઉન્ડનું વેતન ચૂકવાતું હતું.
ગેરકાયદેસર કામદારઃ બર્કશાયરના બે બિઝનેસને 60,000 પાઉન્ડનો દંડ
લંડનઃ બર્કશાયરના બે બિઝનેસને ગેરકાયદેસર કામદારો રાખવા માટે 60,.000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. રીડિંગમાં 63, લંડન સ્ટ્રીટ પર આવેલા સાગરમાથા કાફે એન્ડ રેસ્ટોરન્ટને ગેરકાયદેસર કામદારો રાખવા માટે 45,000 પાઉન્ડ અને ડેશેટમાં એટલાસ ક્લીનિંગ કંપનીને 15,000 પાઉન્ડનો દંડ કરાયો છે.