વેસ્ટ મીડલેન્ડ્સમાં વૃદ્ધો માટે બસ-ટ્રામમાં રાહત જાહેર

Wednesday 25th March 2020 04:37 EDT
 

લંડનઃ વેસ્ટ મીડલેન્ડ્સમાં વૃદ્ધ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી શકે તે માટે પીક ટાઇમ ટ્રાવેલ પાસ પ્રતિબંધ દૂર કરાયો છે. કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતિમાં વૃદ્ધો ટ્રામ કે બસમાં જઇને જરૂરી વસ્તુઓ ખરીદી શકે તે હેતુથી આ પ્રતિબંધમાં સવારના સમયે રાહત આપવાનું નક્કી કરાયું છે.

કોરોના વાઈરસ વૃદ્ધો અને અશક્તોને ઝડપથી અસર કરતું હોવાથી તેઓ ભીડથી બચી શકે તે માટે અગ્રણી સુપરમાર્કેટ પણ સવારે વહેલી ખુલી રહ્યાં છે. શરૂઆતમાં ફક્ત મોટી વયના ગ્રાહકોને જ પ્રવેશ અપાઇ રહ્યો છે જેથી તેઓ વસ્તુઓથી વંચિત ના રહે અને પૂરતી ખરીદી કરી શકે.

ઈંગ્લીશ નેશનલ કન્સેસનરી પાસ સામાન્ય રીતે સવારે ૯.૩૦ વાગ્યા પછીની મુસાફરી માટે માન્ય છે. ટ્રાન્સપોર્ટ ફોર વેસ્ટ મીડલેન્ડ્સ કે જે વેસ્ટ મીડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરીટીનો ભાગ છે તેણે વેસ્ટ મીડલેન્ડ્સ મેટ્રો ટ્રામમાં સવારના સમયનો આ પ્રતિબંધ હળવો કર્યો છે. આ ફેરફાર ૧૯મી માર્ચ, ગુરુવારથી આગામી સૂચના સુધી અમલમાં રહેશે. બસ સર્વિસમાં પણ તેનો લાભ મળશે. વેસ્ટ મીડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે કહ્યું કે 'આ કપરો સમય છે, ખાસ કરીને મોટી ઉંમરના નાગરિકો માટે ચિંતાજનક છે. કોરોના વાઇરસથી જે લોકો સેલ્ફ-આઇસોલેશનમાં નથી તેઓને વહેલી ખરીદી માટેની સુવિધા આપનાર સુપરમાર્કેટ્સ અભિનંદનને પાત્ર છે.'

નેશનલ એક્સપ્રેસ વેસ્ટ મિડલેન્ડ્સના કમર્શિયલ ડિરેક્ટર ક્રિસ ગીબસને કહ્યું કે ' અમારા ઘણા મુસાફરો દ્વારા અમારા ધ્યાને આવ્યું કે દિવ્યાંગ કે વૃદ્ધો આવા સમયે દુકાનો કે બેન્કમાં જવા માટે પોતાના બસ પાસનો ઉપયોગ કરી શકતા નથી. મને ખુશી છે કે અમારી દરેક નેશનલ એક્સપ્રેસ બસ સર્વિસમાં તેઓ સવારના સમયે આ રાહતનો લાભ લઇ શકે છે.' તેમણે આશા વ્યક્ત કરી હતી કે વેસ્ટ મિડલેન્ડ્સના લોકો આવા કપરા સમયે એકબીજાને સહકાર આપને મહામારીનો સામનો કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter