લંડનઃ વેસ્ટ લંડનના પાર્કમાં 23 ઓક્ટોબર 2024ના રોજ 13 વર્ષીય સગીરા પર બળાત્કાર અને 13 ઓક્ટોબરના રોજ 20 વર્ષીય યુવતી પર બળાત્કારના પ્રયાસ માટે હેયસના 24 વર્ષીય નવરૂપ સિંહને આયલવર્થ ક્રાઉન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારાઇ હતી. તેણે ઓછામાં ઓછા 14 વર્ષ જેલમાં વીતાવવા પડશે.
નવરૂપ સિંહે 13 ઓક્ટોબરના રોજ સાઉથોલ પાર્કમાં 20 વર્ષીય યુવતી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની પાસેની બનાવટી ગન સાથે કોઇ યુવતીને લક્ષ્યાંક બનાવવા પાર્કમાં બેસી રહ્યો હતો. તેણે બનાવટી ગન બતાવીને યુવતી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેવી જ રીતે 23 ઓક્ટોબરના રોજ તેણે એક અન્ય પાર્કમાં 13 વર્ષીય સગીરાને પોતાનું નિશાન બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે 27 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરી હતી.