લંડનઃ વેસ્ટ લંડનમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ દ્વારા 14 વર્ષીય શીખ સગીરાને ફસાવી તેના પર ગેંગ રેપ કરાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. ગેંગે સગીરાનું અપહરણ કર્યા બાદ તેને એક ફ્લેટમાં ગોંધી રાખી હતી અને પાંચથી છ નરાધમોએ તેના પર ગેંગરેપ કર્યો હતો. સગીરાએ નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેવાઇ હતી.
આ ઘટનાની જાણ થતાં વેસ્ટ લંડનમાં રહેતા શીખો આરોપી પાકિસ્તાની ગ્રૂમરના ફ્લેટની આસપાસ એકઠાં થયાં હતાં. 200 જેટલા શીખોએ ઘણા કલાકોના વિરોધ બાદ સગીરાને મુક્ત કરાવી હતી. શીખ સમુદાયનો આરોપ છે કે વેસ્ટ લંડનમાં સગીરાઓના શારીરિક શોષણની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.
સગીરાને બચાવનાર શીખોએ જણાવ્યું હતું કે, અમે પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ કોઇ પગલાં લેવાયાં નહોતાં. તેથી અમે નાછૂટકે ફ્લેટને ઘેરી લીધો હતો. સગીરાને ઘણા લાંબા સમયથી ફ્લેટમાં ગોંધી રખાઇ હતી. સગીરાએ તેના બચાવનારાઓને જણાવ્યું હતું કે, પાકિસ્તાની ગેંગના સભ્યોએ તેનું અપહરણ કરી ફ્લેટમાં કેદ કરી લીધી હતી. જ્યાં પાંચથી છ વ્યક્તિએ વારંવાર તેના પર બળાત્કાર કર્યો હતો. તેણે નાસવાનો પ્રયાસ કર્યો તો તેને રૂમમાં બંધ કરી દેવાઇ હતી.


