લંડનઃ 10 માર્ચ સોમવારના રોજ એન્યુઅલ કોમનવેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત પ્રાર્થના સભામાં કિંગ ચાર્લ્સ તૃતીય અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલ્ટન સહિત રાજવી પરિવારના સભ્યો અને અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ગયા વર્ષે કેન્સરની સારવારના કારણે કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ કેટ મિડલ્ટન કોમનવેલ્થ ડેની ઉજવણીમાં ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. વિશ્વમાં સુખાકારી માટે કોમનવેલ્થના પ્રભાવને આ પ્રસંગે બિરદાવવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સહિત પ્રિન્સ ઓફ વેલ્સ અને પ્રિન્સેસ રોયલ પણ હાજર રહ્યાં હતાં. કિંગ આ સર્વિસમાં છેલ્લા બે વર્ષથી હાજર રહી શક્યા નહોતા જ્યારે પ્રિન્સેસ કેટ ગયા વર્ષે હાજર રહ્યાં નહોતાં.
બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિની 80મી વરસીની ઉજવણીઓ પહેલાં કિંગે કોમનવેલ્થ દળો દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં અપાયેલા બલિદાનોને બિરદાવતાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણી પૃથ્વી પર વેરવિખેર થયેલા ભાઇચારાની પુનઃસ્થાપના કરવી એ માનવજાત સામેનો સૌથી મોટો પડકાર છે.
પોતાના સંબોધનમાં કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધમાં યુનાઇટેડ કિંગડમ અ તેના સાથીદેશોને મદદ કરવા તમામ કોમનવેલ્થ દેશોમાંથી 1.5 મિલિયન પુરુષ અને મહિલાએ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે વેસ્ટમિન્સ્ટર એબીની બહાર શ્રી મુક્તજીવન સ્વામીબાપા હિન્દુ સ્કોટિશ પાઇપ બેન્ડે સંગીતના સૂર રેલાવ્યા હતાં.