વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સનું ભવ્ય રાજતિલક

કોરોનેશન વીકએન્ડમાં હજારો સ્ટ્રીટ પાર્ટી યોજાઇ, 7મેના રવિવારે વિન્ડસર કેસલમાં ઝાકઝમાળભરી કોન્સર્ટનું આયોજન

Wednesday 10th May 2023 05:02 EDT
 
 

લંડનઃ 70 વર્ષ બાદ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે બ્રિટિશ રાજવીની ભવ્ય તાજપોશી યોજાઇ હતી. 6 મેના શનિવારના રોજ સવારે બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબી સુધી જવા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા રવાના થયા ત્યારે માર્ગમાં હજારો બ્રિટનવાસીઓ તેમના રાજાને વધાવવા ઉમટી પડ્યાં હતાં. વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 1000 વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશી કરાઇ હતી. જોકે આ વખતે કિંગ ચાર્લ્સે આમંત્રિતોમાં મોટો કાપ મૂકતાં આ વિધિમાં ફક્ત 2000 જેટલાં જ મહેમાન સામેલ થયાં હતાં. તાજપોશીની સાથે કિંગ ચાર્લ્સ વિધિવત રીતે યુકે અને કોમનવેલ્થના 15 દેશોના રાજા બની ગયા છે.

આ વખતે પેને કિંગ ચાર્લ્સને દગો ન કર્યો....

લંડનઃ કોરોનેશન સેરેમનીમાં કિંગ ચાર્લ્સ શપથ પત્ર પર હસ્તાક્ષર કરી રહ્યા હતા ત્યારે દરેકના મનમાં ભય હતો કે પેન દગો તો નહીં આપે ને... અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022માં બેલફાસ્ટ નજીક હીલ્સબરો કેસલમાં વિઝિટર બુકમાં સહી કરતી વખતે પેન બરાબર ચાલતી નહોતી. જોકે તાજપોશી સમયે આવી દુર્ઘટના બની નહોતી.

રાજવી પરિવારના ચાહકો મોલ પર કચરાના ઢગલા છોડી ગયાં

લંડનઃ કિંગ ચાર્લ્સની તાજપોશી માટે એકઠા થયેલા રાજવી પરિવારના હજારો ચાહકો બકિંગહામ પેલેસની આસપાસ કચરાના ઢગલા છોડી ગયાં હતાં. તાજપોશીની ઉજવણી પૂરી થયા બાદ મોલ અને તેના આસપાસના વિસ્તારમાં ઠેર ઠેર ટેન્ટ, સ્લિપિંગ બેગ, કેમ્પિંગ ચેર, યુનિયન જેક ફ્લેગ સહિત ઢગલાબંધ કચરો જોવા મળ્યો હતો. રાજવી પરિવાર પેલેસની બાલ્કનીમાંથી વિદાય થયો ત્યારબાદ ખાલી થયેલો વિસ્તાર જાણે કે એમ લાગતો હતો કે અહીં કોઇ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાયો હશે.

 4 લાખથી વધુને કોરોનેશન મેડલ એનાયત કરાયાં

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં યોગદાન માટે 4 લાખ કરતાં વધુ લોકોને કોરોનેશન મેડલથી સન્માનિત કરાયાં છે. કોરોનેશન મેડલની એકતરફ રાજવી સાંકેતિક ભાષા અને બીજીતરફ કિંગ અને ક્વીન કોન્સોર્ટની તસવીરો છે. કોરોનેશન મેડલ મેળવનારાઓમાં તાજપોશી માટે કામ કરનારા પોલીસ અધિકારીઓ, એમ્બ્યુલન્સ કામદારો, ક્વાયરમાં સામેલ વ્યક્તિઓ અને મિલિટરીના અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઇમર્જન્સી વર્કર્સ, પ્રિઝન સ્ટાફ, સેનાના જવાનોનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં કોરોનેશન મેડલ 1603માં જેમ્સ પ્રથમની તાજપોશી વખતે એનાયત કરાયાં હતાં.

તાજપોશીની પરેડમાં કોમનવેલ્થના 400 જવાનોએ ભાગ લીધો

લંડનઃ કિંગ ચાર્લ્સની તાજપોશી પહેલાં આયોજિત સંયુક્ત પરેડમાં 33 કોમનવેલ્થ દેશ અને 6 બ્રિટિશ ઓવરસીઝ ટેરેટરીના સશસ્ત્ર દળોના 400 જેટલા સભ્યો જોડાયાં હતાં. આ પરેડમાં ભાગ લેવા માટે તેમને સાઉથઇસ્ટ ઇંગ્ન્ડના એલ્ડરશોટ નજીકના પિરબ્રાઇટ આર્મી ટ્રેનિંગ સેન્ટર ખાતે કેટલાક દિવસ તાલીમ અપાઇ હતી. આ પરેડમાં ભાગ લેવા માટે તેમને કોમેમોરેટિવ કોઇન આપીને સન્માનિત કરાયાં હતાં. બ્રિટનની પૂર્વ કોલોનીઓમાં કિંગ ચાર્લ્સની તાજપોશી અંગે ઉત્સાહ જણાયો નહોતો. એક સમયે બ્રિટનના સંસ્થાન એવા ભારતમાં મીડિયામાં તાજપોશીને નહીંવત સ્થાન અપાયું હતું. દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોએ તો હજુ કિંગ ચાર્લ્સનું નામ પણ સાંભળ્યું નથી.

કિંગની તાજપોશીનું જીવંત પ્રસારણ યુકેમાં બે કરોડ લોકોએ નિહાળ્યું

લંડનઃ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે આયોજિત કિંગ ચાર્લ્સની તાજપોશીની વિધિને બે કરોડ બ્રિટનવાસીઓએ નિહાળી હતી. તાજપોશીનું જીવંત પ્રસારણ બીબીસી, આઇટીવી અને સ્કાય ન્યૂઝ દ્વારા કરાયું હતું. સમગ્ર યુકેમાં 11 ચેનલો દ્વારા કરાયેલું પ્રસારણ સરેરાશ 18.8 મિલિયન લોકોએ નિહાળ્યું હતું જ્યારે કિંગની તાજપોશી સમયે 20.4 મિલિયન દર્શકો નોંધાયા હતા. જોકે કિંગની તાજપોશી જોનારાની સંખ્યા સપ્ટેમ્બર 2022માં ક્વીન એલિઝાબેથ દ્વિતિયની અંતિમવિધિના પ્રસારણ સમયે નોંધાયેલા 29 મિલિયન દર્શકો કરતાં ઘણી ઓછી રહી હતી.

કિંગની તાજપોશીમાં પ્રિન્સ હેરી હાંસિયામાં ધકેલાયા

કિંગ ચાર્લ્સના નાના પુત્ર પ્રિન્સ હેરીની હાજરીની જાણે કે રાજવી પરિવારમાંથી કોઇએ નોંધ લીધી નહોતી. પ્રિન્સ હેરી અમેરિકાથી સીધા વેસ્ટમિન્સ્ટર આબે પહોંચ્યા હતા અને તાજપોશીની વિધિ સમાપ્ત થતાં જ ત્યાંથી જ સીધા અમેરિકાની ફ્લાઇટ પકડવા રવાના થઇ ગયા હતા. તાજપોશીની વિધિમાં પણ ડ્યુક ઓફ સસેક્સની ભુમિકા હાજરી આપવા પુરતી જ રહી હતી. તેમને છેક ત્રીજી હરોળમાં સ્થાન અપાયું હતું. આશા હતી કે આ વખતે બંને ભાઇઓ વચ્ચે ઔપરાચિક વાતચીત થશે પરંતુ એવું કશું જોવા મળ્યું નહોતું. પ્રિન્સ હેરીની રાજવી પરિવારમાંથી હવે સંપુર્ણ બાદબાકી થઇ ચૂકી છે તે વાત નિર્વિવાદ રીતે પૂરવાર થઇ ગઇ છે.

અને કિંગ ચાર્લ્સે ક્વીન કેમિલાને કહ્યું, આ કંટાળાજનક છે...

તાજપોશીની વિધિ પહેલાં વેસ્ટમિન્સ્ટર આબે પહોંચેલા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાને પ્રિન્સ વિલિયમ અને તેમનો પરિવાર મોડો પડતાં કોચમાં જ રાહ જોતાં બેસી રહેવું પડ્યું હતું જેના પગલે કિંગ નારાજ થયા હતા. તેમણે ક્વીન કેમિલાને કહ્યું હતું કે આપણે ક્યારેય સમયસર પહોંચતા નથી. તેમાં ગમે તે અવરોધ આવી જાય છે. આ મારા માટે કંટાળાજનક છે.

કિંગના કોરોનેશન પ્રોસેશનમાં ઘોડો ભડક્યો

કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા વેસ્ટમિન્સ્ટર આબે ખાતે તાજપોશીની વિધિ પતાવી બકિંગહામ પેલેસ ખાતે પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના પ્રોસેશનમાં સામેલ એક ઘોડો ભડક્યો હતો અને સીધો સડક કિનારે ઊભેલા દર્શકો તરફ ધસવા લાગ્યો હતો. તેના કારણે સડક પર ઊભી કરાયેલી મેટલ બેરિયર તૂટી પડી હતી. જોકે અધિકારીઓએ તાત્કાલિક ઘોડાને કાબૂમાં લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter