લંડનઃ વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે મહત્તમ બે વર્ષ અને લઘુત્તમ 6 મહિનાથી ખાલી પડેલી 11,000 પ્રોપર્ટી જપ્ત કરવા માટે નિયમોમાં છૂટછાટ આપીને સ્થાનિક સત્તાવાળાઓને પરવાનગી આપવા સરકારને વિનંતી કરી છે. કાઉન્સિલની દલીલ છે કે આ પરવાનગીથી એમ્પ્ટી મેનેજમેન્ટ ડ્વેલિંગ ઓર્ડર જારી કરવામાં સરળતા રહેશે અને ખાલી મકાનો કાઉન્સિલના નિયંત્રણ હેઠળ લાવી શકાશે.
જોકે કાઉન્સિલની આ યોજનાની ભારે ટીકા થઇ રહી છે. સૌથી પહેલાં તો તેનો અમલ મુશ્કેલ છે. બીજી બાબત એ કે આ લોકોના ઘરો પરનો હુમલો ગણી શકાય. એવો પણ આરોપ મૂકાઇ રહ્યો છે કે છેલ્લા 40 વર્ષમાં નવા મકાનોના નિર્માણમાં નિષ્ફળ કાઉન્સિલ નિષ્ફળતા સંતાડવા ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
કાઉન્સિલના એમ્પ્ટી પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ ઓફિસર જેક્વેલિન કોનર્કી કહે છે કે અમે મકાન માલિકો સાથે સંપર્ક કરીને ખાલી પ્રોપર્ટીઓને ફરીથી ઉપયોગમાં લાવી શકાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. કાઉન્સિલનો દાવો છે કે 11,000 જેટલાં મકાન ખાલી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં ટેમ્પરરી એકોમોડેશન માટે અમે 140 મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે.