લંડનઃ કિંગ ચાર્લ્સના ક્રિસમસ સંબોધનમાં અંગત આરોગ્ય અંગેના ગત વર્ષના પડકારો પ્રતિબિંબિત થયાં હતાં. ઓરનેટ ચેપલમાં સંબોધન કરતાં કિંગ ચાર્લ્સે તેમની અને પુત્રવધુ કેટ મિડલટનની કેન્સરની સારવાર કરનાર ડોક્ટરો અને નર્સોનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, બીમારીની સમસ્યાઓ અને અનિશ્ચિતતાઓમાંથી પસાર થઇ રહેલા હું અને મારા પરિવારના સભ્યોને સહાય કરવા માટે હું નિસ્વાર્થ ડોક્ટરો અને નર્સોનો આભારી છું. તેમણે બ્રિટનની જનતાએ દર્શાવેલી સહાનુભૂતિ અને આપેલા પ્રોત્સાહન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉત્તર ઇંગ્લેન્ડના ફાર રાઇટ્સ રમખાણોનો ઉલ્લેખ કરતાં કિંગે જણાવ્યું હતું કે, વંશીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્યતા નબળાઇ નહીં પરંતુ મજબૂતાઇ પુરી પાડે છે. સંબંધો અને વિશ્વાસના પુનનિર્માણ માટે સાથે આવનાર સમુદાયોનો તેમણે આભાર માન્યો હતો.
આ પહેલા રાજવી પરિવારે સેન્ડરિંગહામ ખાતેના ચર્ચમાં ક્રિસમસ સર્વિસમાં ભાગ લીધો હતો. તેમણે જાહેર જનતાનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. જોકે આ પ્રસંગે ચીની જાસૂસના વિવાદમાં ફસાયેલા પ્રિન્સ એન્ડ્રુ અને પરિવાર સાથે છેડો ફાડી નાખનાર પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ હાજર રહ્યાં નહોતાં.


