વૈવિધ્યસભર બ્રિટિશ સંસદમાં ૯ નવા એશિયન સાંસદ

• રુપાંજના દત્તા • પ્રિયંકા મહેતા Wednesday 18th December 2019 05:45 EST
 
 

લંડનઃ આ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ના સાંસદો ચૂંટાઈ આવવા સાથે આ પાર્લામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ સંસદ બની છે. વિજયી BAME જૂથના સાંસદોને મળેલા મતની ટકાવારી ગત ચૂંટણીમાં પ્રાપ્ત ૮ ટકાથી વધીને ૧૦ ટકા થઈ છે. ગત પાર્લામેન્ટમાં બાવન (૫૨)ના પ્રતિનિધિત્વની સરખામણીએ આ વખતે કુલ ૬૫ BAME સાંસદોનો વિજય થયો છે જેમાં, ૩૬ મૂળ એશિયન અને ૯ નવા સાંસદોનો સમાવેશ થાય છે.
થિન્કટેન્ક ‘બ્રિટિશ ફ્યુચર’ના માનવા અનુસાર ૨૦૧૯ની ચૂંટણીએ અત્યાર સુધી સૌથી વૈવિધ્યસભર પાર્લામેન્ટની રચના કરી છે. હાલ ૧૦માંથી એક સાંસદ વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવે છે. નોંધવાપાત્ર બાબત એ છે કે દસ વર્ષ પહેલા ૪૦માંથી માત્ર એક સાંસદ BAME જૂથના હતા. નવી પાર્લામેન્ટમાં BAME સાંસદોમાં ૨૨ કન્ઝર્વેટિવ્સ, ૪૧ લેબર અને બે લીબરલ ડેમોક્રેટ્સનો સમાવેશ થાય છે. નવા હાઉસ ઓફ કોમન્સમાં વંશીય લઘુમતીના માત્ર છ ટકા કન્ઝર્વેટિવ સાંસદની સરખામણીએ લેબર પાર્ટીના ૨૦ ટકાથી વધુ સાંસદ છે.

આમ છતાં એ પણ નોંધવું જોઈએ કે સ્કોટલેન્ડ, વેલ્સ અથવા નોર્ધર્ન આયર્લેન્ડમાંથી હજુ સુધી કોઈ અશ્વેત પ્રતિનિધિ આવ્યા નથી. અન્ય નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય ચૂંટણીમાં વંશીય લઘુમતીના પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ચૂંટાઈ આવી છે.
પાર્લામેન્ટમાં વંશીય લઘુમતીની ૩૭ મહિલાએ સ્થાન મેળવ્યું છે જ્યારે પુરુષોની સંખ્યા ૨૮ છે.
ચાર નવા મૂળ ભારતીય સાંસદ
બ્રિટનમાં હવે ચાર નવા મૂળ ભારતીય સાંસદો છે. તેમાં લેબરના નવેન્દુ મિશ્રા (સ્ટોકપોર્ટ), કન્ઝર્વેટિવ્સના ગગન મોહિન્દ્રા (સાઉથ વેસ્ટ હર્ટફર્ડશાયર) અને મૂળ ગોવાના ક્લેર કૌટિન્હો (ઈસ્ટ સરે) અને લીબ ડેમના મુનિરા વિલ્સન (ટ્વીકનહામ)નો સમાવેશ થાય છે. તેનો અર્થ એવો થાય કે આ દેશમાં હવે ભારતીય મૂળના કુલ ૧૫ મૂળ સાંસદ છે. તેઓ હાલના ૧૧ મૂળ ભારતીય સાંસદો સાથે જોડાશે. આ વખતની સામાન્ય ચૂંટણીમાં જેમણે પોતાની બેઠકો જાળવી રાખી છે તેમાં પ્રીતિ પટેલ (વીથમ), આલોક શર્મા (રેડિંગ વેસ્ટ), શૈલેશ વારા (નોર્થ વેસ્ટ કેમ્બ્રીજશાયર), વેલેરી વાઝ (વોલસોલ), વીરેન્દ્ર શર્મા (ઈલિંગ સાઉથોલ), સીમા મલ્હોત્રા (ફેલ્ધામ અને હેસ્ટન), રીશી સુનાક (રીચમન્ડ), લીસા નાન્દી (વીગન), સુએલા બ્રેવરમેન(ફેરહામ), તનમનજીતસિંઘ ધેસી (સ્લાઉ) અને પ્રીત કૌર ગિલ (બર્મિંગહામ એજબાસ્ટન)નો સમાવેશ થાય છે.

(ચૂંટણી વિશેષ અહેવાલ માટે વાંચો ગુજરાત સમાચાર અંક ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ - પાન ૨, ૩, ૪, ૫ અને ૧૪)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter