લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ભારત દ્વારા રશિયાથી કરાતી ક્રુડ આયાતોનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓના કારણે ભારત તેના અર્થતંત્રને બંધ કરી શકે નહીં.
ટાઇમ્સ રેડિયો સાથેની ચર્ચામાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતના ઘણા ભાગીદાર દેશો પણ અમને ખરીદી કરવાની મનાઇ કરે છે પરંતુ તેઓ જ આ દેશો પાસેથી રેર અર્થ અને અન્ય એનર્જી પ્રોડક્ટ ખરીદી રહ્યાં છે.
ભારતના રશિયા સાથેના ગાઢ સંબંધો પર પૂછાયેલા સવાલના જવાબમાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમારા સંબંધો ઘણા પરિમાણો પર આધારિત છે. રશિયા સાથે ભારતના સંરક્ષણ સંબંધો દાયકા જૂના છે. તે સમયે પશ્ચિમના દેશો ભારતને હથિયાર વેચતા નહોતા અને અમારા પર હુમલા કરી શકાય તે માટે અમારા પાડોશી દેશોને હથિયાર આપતા હતા.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, એનર્જી માટે પણ અમારા સંબંધો છે. અગાઉ અમે જેમની પાસેથી એનર્જી ઉત્પાદનો ખરીદતાં હતાં તેની પાસેથી અન્યો પણ એનર્જી ઉત્પાદનો ખરીદી રહ્યાં છે.