લંડનઃ બ્રિટિશ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ ભારત અને યુકે વચ્ચેના સંબંધોને સારું પરિબળ ગણાવતા વૈશ્વિક શાંતિ માટે ભારત અને બ્રિટનના સાથે મળીના કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 24 જાન્યુઆરીના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા આયોજિત છઠ્ઠા યુકે-ઇન્ડિયા પાર્લામેન્ટરી લન્ચ ખાતે ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ભારતની વિદ્વતાપૂર્ણ સમર્થતા અદ્દભૂત છે અને સતત વિકાસ પામી રહી છે. મહામારીઓ સામેની લડાઇથી માંડીને એઆઇની તકો અને જોખમો, ફાઇનાન્સિયલ સર્વિસ અથવા તો કૃષિ, એવું કોઇ સેક્ટર નથી જેમાં સહકાર સાધીને યુકે અને ભારત વિશ્વમાં સારું પરિબળ સર્જી શકે છે.
હોમ સેક્રેટરીએ વિશ્વમાં વધી રહેલા સંઘર્ષો ટાળવા માટે ભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આજના અશાંત વિશ્વમાં ભારતના સંરક્ષણ પ્રધાનની યુકેની મુલાકાત અત્યંત મહત્વની હતી. ભારત અને યુકે લાંબા સમયથી ભાગીદાર દેશો છે. વિશ્વમાં શાંતિ જળવાઇ રહે તે માટે સુરક્ષા મામલામાં સહકાર પણ એટલો જ આવશ્યક છે. હું આશા રાખું છું કે આપણે સાથે મળીને વિશ્વમાં વ્યાપક બની રહેલા સંઘર્ષોને ટાળવા માટે ભારત અને યુકે સાથે મળીને કામ કરી શકે છે.
આ કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન અને લોર્ડ જિતેશ ગઢિયા દ્વારા કરાયું હતું. વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષો પર ફોરેન સેક્રેટરી ડેવિડ કેમેરોનની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા આઇજીએફના ચેરમેન અને સીઇઓ મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, ગાઢ સંબંધ ધરાવતા ભાગીદાર દેશોમાં પણ કેટલાક મતભેદ હોઇ શકે છે. આ ભિન્નતાઓ કાયદાના શાસન, માન્યતાની સ્વતંત્રતા, વિવિધતા અને સમાવેશ, મુક્ત વેપાર અને લોકશાહીના મૂળભૂત મૂલ્યોને બદલે સૂક્ષ્મતા અને ભાર વિશે વધુ છે, જેને આપણે બધા ખૂબ જ પ્રેમ કરીએ છીએ. આવા સમયમાં લોકશાહીઓએ સાથે મળીને વધુ મહેનત કરવી જોઈએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ, જ્યારે લોકશાહી એકસાથે કામ કરે છે ત્યારે લોકશાહી શ્રેષ્ઠ કામ કરે છે.
લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે યુકે-ભારત દ્વિપક્ષીય સંબંધો મુક્ત વેપાર કરાર મંત્રણા જેવી બાબતો રાજકીય નેતાઓ અને રાજદ્વારીઓના હાથમાં છે.


