લંડનઃ ભારતીય મૂળના ગુરમીતસિંહ સિધુએ ગોઇંગ ધ ડિસ્ટન્સ કેટેગરીમાં મૂવેમ્બર યુકે એન્ડ યુરોપ એવોર્ડ 2025 જીતીને ભારતીય સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ગુરમીતસિંહે આ કેટેગરીમાં 508 કિલોમીટર અંતર કાપ્યું હતું. મૂવેમ્બર ચેરિટી દ્વારા દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરી પુરુષોને આરોગ્ય માટે જાગૃત કરાય છે.
વોકિંગ સિંહના નામે જાણીતા ગુરમીતસિંહ ગ્રેવસેન્ડ ગ્રામર સ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે આ એવોર્ડ જીતીને પોતાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી નમૂનો આપ્યો છે. આરોગ્ય સમસ્યાઓના કારણે તેઓ કદાચ ઇમ્પેરમેન્ટ વિના ચાલી શકે તેમ નહોતા તેમ છતાં તેમણે આકરી મહેનત કરી સર્જરી ટાળી દીધી હતી. મૂવેમ્બર ઇવેન્ટમાં તેઓ 508 કિલોમીટર ચાલ્યા હતા. સિધુ મૂળ પંજાબના ભટિંડાના વતની છે.
સિધુએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં 10 કેટેગરી છે પરંતુ મેં ગોઇંગ ધ ડિસ્ટન્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. હું શાળા છૂટ્યા બાદ અને વીકએન્ડમાં એક મહિનામાં 508 કિલોમીટર ચાલ્યો હતો. હું રોજના સરેરાશ 17 કિલોમીટર ચાલતો હતો.