લંડનઃ વિદ્યાર્થીઓને બનાવટી ડીગ્રીઓ વેચવાના કૌભાંડ સામે ચિંતા દર્શાવાઈ રહી છે ત્યારે યુનિવર્સિટી વોચડોગ હાયર એજ્યુકેશન ડીગ્રી ડેટાચેક (Hedd) દ્વારા ગત વર્ષે ૩૦થી વધુ નકલી યુનિવર્સિટીઓ બંધ કરી દેવાઈ છે. નકલી ડીગ્રીઓ પર નજર રાખતા વોચડોગ Hedd દ્વારા ગત વર્ષે કુલ ૬૨ કૌભાંડી સંસ્થાઓની ઓળખ કરવામાં આવી હતી. લો એન્ફોર્સમેન્ટ અને ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ એજન્સીઓ દ્વારા અત્યાર સુધી ૩૨ સંસ્થા બંધ કરી દેવાઈ છે, જ્યારે ૩૦ સંસ્થાની તપાસ ચાલી રહી છે.
બંધ કરાવાયેલી ૩૨ સંસ્થામાં ૨૫ તો વિદેશસ્થિત છે. એજન્સીએ કાયદેસરના બિઝનેસમાં રહેલી ચાર સંસ્થાને તેઓ યુકેની ડીગ્રીઓ આપી નહિ શકે તેવી સ્પષ્ટતા સંભવિત વિદ્યાર્થીઓને કરવા જણાવ્યું છે. છેક ૨૦૧૧થી યુકેમાં ૨૨૦ બોગસ યુનિવર્સિટીઓ ઓળખી કઢાઈ છે, જેમાંથી ૮૦ ટકા તો હવે નિષ્ક્રિય છે. હેડના ડિરેક્ટર જેન રોલીએ ચેતવણી આપી છે કે સરકાર શિક્ષણક્ષેત્રને વધુ ખુલ્લું બનાવી એજ્યુકેશનમાં કોઈ ટ્રેક રેકોર્ડ ન હોય તેવી નવી પ્રાઈવેટ પ્રોવાઈડર સંસ્થાઓને પણ તત્કાળ ડીગ્રી આપવાની સત્તા વિશે યોજના ધરાવે છે અને ઓનલાઈન ડીગ્રી પ્રોગ્રામ્સ વધી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે.


