લંડનઃ યુકેમાં આગામી સંસદની ચૂંટણીમાં નવા વોટર આઇડી કાયદાઓના કારણે લાખો મતદારો મતદાનથી વંચિત રહે તેવી ચેતવણી સરકારની ઇલેક્શન વોચડોગે ઉચ્ચારી છે. ઇલેક્ટોરલ કમિશને જણાવ્યું છે કે વોટર આઇડી કાયદાઓની ગરીબો, વિકલાંગ અને વંશીય લઘુમતી સમુદાયના લોકો પર વિપરિત અસર કરી છે. સરકારે આ અસરો દૂર કરવા માટે તાકિદે પગલાં લેવાં જોઇએ. સરકારે લોકો મતદાન કરી શકે તે માટેના માન્ય દસ્તાવેજોની વ્યાપક યાદી તૈયાર કરવી જોઇએ, અન્ય કોઇ વ્યક્તિ ઓળખ આપે તો પણ મતદારને મતદાન કરવાની પરવાનગી આપવી જોઇએ.
ઇલેક્ટોરલ કમિશન દ્વારા અપાયેલી ચેતવણી સરકાર માટે ગંભીર છે કારણ કે સરકાર ચેરિટી સંસ્થાઓ અને અન્ય સંગઠનો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓ પર ધ્યાન આપવાનો ઇનકાર કરી રહી છે. દેશમાં ચૂંટણીઓ યોજવા માટે જવાબદાર ગણાતા લેવલિંગ અપ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે વોટર આઇડીની પ્રથા પ્રોત્સાહનજનક છે.
કમિશને તેનો રિપોર્ટ મે મહિનામાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓના આધારે તૈયાર કર્યો છે. આ ચૂંટણીમાં ઇંગ્લેન્ડમાં પહેલીવાર મતદાન માટે વોટર આઇડીનો ઉપયોગ કરાયો હતો. કમિશને જણાવ્યું છે કે વોટર આઇડીના કાયદાની અસર આગામી સંસદની ચૂંટણીમાં જોવા મળશે.

