લંડનઃ ચેશાયરના વોરિંગ્ટનમાં ૨૦૦૩માં ઓનર કિલીંગની ઘટનામાં ક્રૂર માતા - પિતા ઈફ્તિખાર અને ફરઝાનાએ તેમના ઘરે તેમની ૧૭ વર્ષીય પુત્રી શફિલા એહમદનું પ્લાસ્ટિક બેગથી ગૂંગળાવીને મૃત્યુ નીપજાવ્યું હતું. શફિલાએ અરેન્જ્ડ મેરેજ કરવાનો ઈન્કાર કરતાં સમાજમાં તેમની આબરૂ જશે તેવો તેના પેરેન્ટ્સને ડર લાગ્યો હતો. તેમણે પરિવારના અન્ય બાળકોની હાજરીમાં જ તેની હત્યા કરી હતી.
આઘાતજનક બાબત તો એ છે કે તેઓ ઘટનાના નવ વર્ષ પછી પણ તેઓ કાયદાની પકડની બહાર રહ્યા હતા. ટીવી ઈન્ટરવ્યૂમાં તેઓ કહેતા રહ્યા કે મુસ્લિમ હોવાને લીધે તેમને હેરાન કરવામાં આવે છે.
પરંતુ, શફીલાની બહાદૂર બહેન અલીશાએ હકીકતે શું બન્યું હતું તે પોલીસને જણાવતી નવી ડોક્યુમેન્ટરીએ સત્ય ખૂલ્લું કર્યું હતું.
શોમાં શફીલાની ક્રૂર હત્યા વિશે વાત કરતાં તેની મિત્ર શાહિન મુનીર પણ ભાંગી પડી હતી. તેણે જણાવ્યું કે તેઓ તેને ગૂંગળાવતા હતા ત્યારે તેના પિતા તેને મુક્કા મારતા હતા અને તેની મમ્મીએ ‘ખતમ કરી દો’ એમ કહ્યું હતું. શફીલા બચવા માટે પ્રયાસ કરતી હતી અને આખરે તેનું મૃત્યુ થયું. શાહિને જણાવ્યું કે તેમણે તેની હત્યા કરી હતી.
ડોક્યુમેન્ટરીમાં દર્શાવ્યા મુજબ શફીલા સીધી સાદી વિદ્યાર્થિની હતી અને તેણે સરળતાથી બ્રિટિશ સંસ્કૃતિ સ્વીકારી હતી. માતાપિતાની નારાજગી હોવા છતાં તેનું સ્વપ્ન વકીલ બનવાનું હતું. તેમણે તો તેના પર નખ રંગવા અને મેકઅપ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી.
૨૦૦૩માં તેના માતાપિતા તેને દવા આપીને પાકિસ્તાન લઈ ગયા હતા અને કહ્યું કે તેઓ તેના નિકાહ તેના પિતરાઈ સાથે કરાવી દેશે અને તેને ત્યાં જ રહેવું પડશે.
નિકાહ કરવાનું ટાળવા તેણે બ્લીચ પી લીધું હતું. તેની તબિયત બગડી ગઈ અને સારવાર માટે તેને યુકે પાછી લાવવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો.
આઠ અઠવાડિયા પછી ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, તે પછી તેની કોઈ ભાળ ન હતી.


