લંડનઃ ધર્માંતરિત મુસ્લિમ મહિલા લોર્ના મૂરે તેના જેહાદી પતિ સાજિદ અસ્લમ અને મિત્રોને મળવા ત્રણ બાળકો સાથે સીરિયા જવાનો પ્રયાસ કર્યો હોવાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટમાં જ્યૂરી સમક્ષ કરાઈ હતી. મેથ્સની તાલીમી શિક્ષિકા લોર્ના મૂરનો જન્મ બેલફાસ્ટમાં થયો હતો. સાજિદ અસ્લમ ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો સભ્ય હતો. મિડલેન્ડ્સના નાના શહેર વોલસાલથી Isis તરીકે પણ ઓળખાતા ઈસ્લામિક સ્ટેટના કબજા હેઠળના પ્રદેશમાં જવાનો પ્રયાસ કરનાર લોર્ના ચોથી ધર્માંતરિત મુસ્લિમ વ્યક્તિ છે.
લોર્નાએ તેના નાના પરિવાર સાથે સીરિયા જવા મેડિટેરિયન ટુરિસ્ટ રિસોર્ટ પાલ્મા, માજોર્કાથી એર ટિકિટ્સનું બુકિંગ કરાવ્યું હતું. તેનો પતિ સાજિદ ત્રણ મહિના અગાઉ સીરિયા ગયો હતો, જ્યાં પહોંચી તેણે મિત્ર અયમાન શૌકતને સાંકેતિક મેસેજ મોકલ્યો હતો. શૌકત સામે પણ ત્રાસવાદી પ્રવૃત્તિઓની તૈયારી બદલ ટ્રાયલ ચાલે છે.
પ્રોસીક્યુટર જુલિયન ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે Isis માટે લડવા સીરિયા જવાનો ઈરાદો રાખતી મિત્રોની આ ટોળી એકબીજાને મદદ કરતી હતી. સૌ પહેલા મુસ્લિમ કન્વર્ટ જેકોબ પેટ્ટી ઉર્ફ અબુ યાકુદ બ્રિટેની જુલાઈ ૨૦૧૪માં સીરિયા ગયો હતો હતો. તે પછી ઈસાઈહ સીઆગતન તેમજ સાજિદ અને શૌકત ગયા હતા.
ધરપકડ સમયે ત્રણ નાના બાળક ધરાવતા લોર્નાએ કહ્યું હતું કે તેનો પતિ ઈસ્લામિક સ્ટેટ નાસી છૂટ્યો ત્યારે તે રજાઓ માણતી હતી. પોતાની સાથે ‘કૂતરા અને ગુલામ’ જેવો વ્યવહાર કરવા બદલ પતિ સાજિદ અસ્લમને ડાઈવોર્સ આપવા પ્રયાસ કરનારી ધર્માંતરિત મુસ્લિમ પત્ની લોર્ના મૂર સામે અતિ મહત્ત્વની માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો છે. સાજિદનો ઈરાદો Isisમાં જોડાવાનો હોવાની માહિતી તેણે પોલીસને આપી ન હતી. ઓલ્ડ બેઈલી કોર્ટમાં સુનાવણીમાં લોર્નાએ ૨૦૧૪માં સાજિદ અસ્લમે સીરિયા જવા યોજના ઘડી હોવાની માહિતી હોવાનો ઈનકાર કર્યો હતો. લોર્નાએ ત્રાસવાદી કૃત્યો અંગે માહિતી છુપાવવાના આરોપો નકાર્યા છે. ટ્રાયલ હજુ ચાલી રહી છે.


