વ્યક્તિને નોકરીમાં ‘ટાલિયો’ કહેવો જાતીય સતામણીઃ ટ્રિબ્યુનલનો ચુકાદો

Wednesday 18th May 2022 07:03 EDT
 
 

લંડનઃ કોઈ વ્યક્તિને તેના કામકાજના સ્થળે ‘ટાલિયો’ કહેવો તે જાતીય પજવણીની વ્યાખ્યામાં આવે છે, એવો આદેશ ઈંગ્લેન્ડની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આપ્યો છે. જજ જોનાથન બ્રેઈનના અધ્યક્ષપદ હેઠળની ત્રણ સભ્યોની પેનલે નક્કી કરવાનું હતું કે કોઈ વ્યક્તિના માથા પર વાળ ઓછાં હોવાના ઉલ્લેખને અપમાન કહેવાય કે પજવણી કહેવાય. દાવેદાર ટોની ફિનના વળતરનો નિર્ણય લેવા નવી તારીખ જાહેર કરાશે.

પશ્ચિમ યોર્કશાયરસ્થિત બ્રિટિશ બંગ કંપનીમાં 24 વર્ષ સુધી ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કર્યા પછી ગયા વર્ષે મેમાં ટોની ફીનની હકાલપટ્ટી કરાઈ હતી. ટોની ફીને કંપની સામે અયોગ્ય બરતરફી અને જાતિય ભેદભાવનો દાવો કર્યો હતો.

જજમેન્ટમાં જણાવાયું હતું કે, અમારા ચુકાદામાં એક તરફ, ટાલ પડવા જેવો શબ્દ અને બીજી બાજુએ જાતીયતાની લાક્ષણિક્તા દેખાય છે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે બ્રિટિશ બંગ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ વતી હાજર વકીલોએ પુરુષો અને સ્ત્રીઓમાં ટાલ પડતી હોવાની રજૂઆત કરી હતી. તેઓ સાચા છે પરંતુ, સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં માથા પરનું ટાલિયાપણું વધારે પ્રમાણમાં જોવા મળે છે.

ફેક્ટરી સુપરવાઈઝર જેમી કિંગે દલીલબાજી દરમિયાન ટોની ફિનના વાળના અભાવનો ઉલ્લેખ કર્યો હતો તે 24 જુલાઈ 2019ની આ ઘટના વિશે ઉત્તર ઈંગ્લેન્ડના શેફિલ્ડમાં એપ્રિલ-મેમાં આ કેસની સુનાવણી કરાઈ હતી. જજે નોંધ કરી હતી કે જેમી કિંગે શારીરિક હિંસાની ધમકી આપી હતી. જાતીય પજવણી, અયોગ્ય બરતરફી અને અયોગ્ય હકાલપટ્ટી સહિતની બાબતોને માન્ય રખાઈ હતી પરંતુ, વયસંબંધિત ભેદભાવનો દાવો ફગાવી દેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter