વ્યસનીઓ અને જુગારીઓએ ખિસ્સા વધુ ખાલી કરવા પડશે

સિગારેટ પરની ડ્યુટીમાં 5.66 ટકા સુધી અને વેપિંગ ઉત્પાદનો પર ટેક્સ લદાશે, આલ્કોહોલ પરની ડ્યુટીમાં 3.66 ટકા સુધીનો વધારો, એપ્રિલ 2026થી રિમોટ ગેમિંગ ડ્યુટી 21 ટકાથી વધારીને 40 ટકા, એપ્રિલ 2027થી રિમોટ બેટિંગ માટેની 25 ટકા જનરલ બેટિંગ ડ્યુટી અમલી

Tuesday 02nd December 2025 09:16 EST
 
 

લંડનઃ સિગારેટ, બિયર, વાઇન અને શરાબ પર ચાન્સેલરે કરવેરામાં વધારો કરતાં હવે વ્યસનીઓએ ખિસ્સા વધુ ખાલી કરવા પડશે. રીવ્ઝે આગામી વર્ષથી વેપિંગ પર પણ નવા ટેક્સની જાહેરાત કરી છે જે અંતર્ગત વેપમાં લિક્વિડ રિફીલ 60 ટકા મોંઘુ થશે.

ટ્રેઝરીના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 2026થી આલ્કોહોલ પરની ડ્યુટીમાં 3.66 ટકા સુધીનો વધારો થશે. સિગારેટ પરની ડ્યુટીમાં 5.66 ટકા સુધીનો વધારો થશે તેના કારણે 20 સિગારેટના એક પેકેટની કિંમત 1 પાઉન્ડ જેટલી વધીને 17.90 પાઉન્ડ પર પહોંચી જશે. ઓક્ટોબર 2026થી વેપિંગ ઉત્પાદનો પર પણ ટેક્સ લાગુ કરાશે.

ઓબીઆરના અંદાજ પ્રમાણે આગામી વર્ષ સુધીમાં આલ્કોહોલ પરના ટેક્સની આવક 5.1 ટકા ઘટીને 12 બિલિયન પાઉન્ડ પર આવી જશે. આ વર્ષના અંત સુધીમાં આલ્કોહોલના વેચાણમાં 6.4 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.

બિયર પર વસૂલાતી ડ્યુટીમાં 3.66 ટકા સુધીનો વધારો કરાયો છે જેના કારણે લેગરના એક પિન્ટની કિંમતમાં 6 પેન્સનો વધારો થશે.

તે ઉપરાંત રીવ્ઝે બજેટમાં ગેમ્બલિંગ પરની ડ્યુટીમાં બદલાવની જાહેરાત કરી છે. એપ્રિલ 2026થી રિમોટ ગેમિંગ ડ્યુટી 21 ટકાથી વધારીને 40 ટકા કરાઇ છે. જ્યારે 10 ટકાની બિન્ગો ડ્યુટી નાબૂદ કરાઇ છે. એપ્રિલ 2027થી રિમોટ બેટિંગ માટેની 25 ટકા જનરલ બેટિંગ ડ્યુટી અમલી બનશે. કેસિનો ગેમિંગ ડ્યુટી 2026-27 સુધી ફ્રીઝ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter