વ્યાજદર વધતાં 20 લાખ મકાનમાલિકોના મોર્ગેજમાં તોતિંગ વધારો થશે

બેઝ રેટ લિન્ક્ડ લોનના ઇએમઆઇમાં તાત્કાલિક વધારો, ફિક્સ્ડ રેટ લોનના ઇએમઆઇ રિશિડ્યુલ સમયે વધી જશે, દોઢ લાખ પાઉન્ડના મોર્ગેજ પર વર્ષે 528 પાઉન્ડનો વધારાનો બોજો, 4 લાખ પાઉન્ડના મોર્ગેજ પર 1572 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે

Wednesday 10th August 2022 05:09 EDT
 
 

લંડન

મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ રહેલી બ્રિટનની જનતા માટે એક માઠા સમાચાર છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વૈશ્વિક આર્થિક સંકટની વચ્ચે મોટી મંદીના સંકેત આપતાં વ્યાજદરોમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. 1995 પછી એટલે કે 27 વર્ષના લાંબા સમયગાળા બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરોમાં આટલો મોટો વધારો કરાયો છે. વ્યાજદરમાં આ વધારાના પગલે લોનના વ્યાજદરો 1.75 ટકા સુધી વધી જવાની સંભાવના છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા નક્કી કરાયેલા બેઝ રેટના આધારે જ બેન્કો મોર્ગેજ કોસ્ટ નક્કી કરતી હોય છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યા પછી હવે બેઝ રેટ 1.25 ટકાથી વધીને 1.75 ટકા પર પહોંચ્યો છે જે છેલ્લા 13 વર્ષની સૌથી ઊંચી સપાટી છે. ડિસેમ્બર 2021 પછી બેન્ક ઓફ ઇઁગ્લેન્ડ દ્વારા બેઝ રેટમાં કરાયેલો આ છઠ્ઠો વધારો હતો.

વ્યાજદરમાં આ વધારાના કારણે દેશના લાખો  ઘર માલિકો પર મોર્ગેજનો ટાઇમ બોમ્બ તોળાઇ રહ્યો છે કારણ કે તેમની ફિક્સ રેટ લોનનો અંત નજીક આવી રહ્યો છે. જે લોકોએ ફિક્સ્ડ વ્યાજ દરે લોન લીધી છે તેમના મોર્ગેજમાં તાત્કાલિક તો કોઇ વધારો નહીં થા. પરંતુ જેવી તે એક્સપાયર થશે કે તેમને દર વર્ષે હજારો પાઉન્ડ વધારાના ચૂકવવા પડશે. બીજીતરફ મોંઘવારીના કારણે દરેક પરિવારના બજેટ ખોરવાઇ રહ્યાં છે. પરંતુ વેરિએબલ રેટ્સ પર હોમ લોન લેનારા 20 લાખ જેટલા મકાન માલિકોના મોર્ગેજ બિલમાં તાત્કાલિક વધારો થશે.

એવરેજ સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ પર 1,50,000 પાઉન્ડની હોમ લોન લેનારાને દર મહિને 44 પાઉન્ડ અને વર્ષે 528 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે. 4 લાખ પાઉન્ડની હોમ લોન લેનારાએ મહિને 131 અને વર્ષે 1572 પાઉન્ડ વધારાના ચૂકવવા પડશે.

ફિક્સ્ડ રેટની હોમ લોન ધરાવનારાને તેમની મોર્ગેજ લોન શિડ્યુલની મુદત પૂરી થયા સુધી કોઇ અસર નહીં થાય પરંતુ 18 લાખ લોન ધારકોના મોર્ગેજ આગામી વર્ષના અંત સુધીમાં પૂરા થઇ રહ્યાં છે. તેમને નવા શિડ્યુલ માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે.

 બ્રિટનમાં ફુગાવાનો દર 13 ટકાને પાર કરી જવાની સંભાવના

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ડૂમ્સ ડ઼ે વોર્નિંગ જારી કરતાં જણાવ્યું છે કે 2022ના અંત સુધીમાં બ્રિટન એક વર્ષની લાંબી આર્થિક મંદીમાં સપડાશે. આ સમયગાળામાં ફુગાવાનો દર 13 ટકાને પાર કરી જવાની સંભાવના છે. આ મંદી 2008 અને 1990ના દાયકામાં આવેલી મંદી કરતાં પણ ભયાનક હશે. બેન્કે ચેતવણી આપી છે કે અર્થતંત્રમાં આવી રહેલી મંદીના કારણે પરિવારોના લિવિંગ સ્ટાન્ડર્ડમાં તોતિંગ ઘટાડો થશે. 2021માં સરેરાશ એનર્જી બિલ 1200 પાઉન્ડ હતાં જે ઓક્ટોબર 2022માં સરેરાશ 3500 પાઉન્ડ પર પહોંચી જવાનો અંદાજ છે. 2023માં મોંઘવારીમાં રાહત મળવાની કોઇ સંભાવના હાલ દેખાતી નથી અને 2024માં સ્થિતિ હળવી બને તેવી સંભાવના છે.

સેનટેન્ડર અને બાર્કલેએ ગણતરીના કલાકોમાં ઇએમઆઇમાં વધારો ઝિંકી દીધો

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા બેઝ રેટમાં વધારો કરાતાં સેનટેન્ડર અન બાર્કલેએ ઇએમઆઇમાં ગણતરીના કલાકોમાં જ વધારો કરી દીધો હતો. સેનટેન્ડર યુકેએ જણાવ્યું હતું કે, તેની પ્રોડક્ટ્સના વ્યાજદરમાં 3 સપ્ટેમ્બરથી 0.5 ટકાનો વધારો કરાશે. એલાયન્સ એન્ડ લિસેસ્ટર મોર્ગેજના બેઝ રેટ સાથે લિન્ક કરાયેલા મોર્ગેજમાં 1 સપ્ટેમ્બરથી 0.5 ટકાનો વધારો અમલી બનશે. બાર્કલેની ટુ યર ફિક્સ પર અત્યાર સુધી 3.04 ટકા વ્યાજ લેવાતું હતું જે હવે 3.24 ટકા કરી દેવાયું છે.

પહેલીવાર ઘર ખરીદનારાએ પગારના 40 ટકા મોર્ગેજમાં ચૂકવવા પડશે

વ્યાજદરમાં વધારાના પગલે પહેલીવાર ઘર ખરીદનારે તેના પગારના 40 ટકા માસિક મોર્ગેજમાં ચૂકવી દેવા પડશે. સરેરાશ મોર્ગેજ 976 પાઉન્ડથી વધીને 1030 પાઉન્ડ થઇ જશે. હાલ ફર્સ્ટ ટાઇમ બાયર્સ તેમની ગ્રોસ સેલરીના 38 ટકા માસિક મોર્ગેજમાં ચૂકવે છે. પહેલીવાર ઘર ખરીદનારે 10 ટકા એટલે કે 22,494 પાઉન્ડ ડિપોઝિટ ચૂકવવી પડે છે જે 10 વર્ષ પહેલાં ફક્ત 14,316 પાઉન્ડ હતી. આ સમયગાળામાં ગ્રોસ માસિક પગારમાં 31 ટકાનો વધારો થયો છે.

હોમ લોન બિલ પર થનારી વાર્ષિક અસરો (પાઉન્ડમાં)

મોર્ટગેજ – 1.5 ટકા વધારો – 1.75 ટકા વધારો – 2.0 ટકા વધારો – 2.25 ટકા વધારો – 2.5 ટકા વધારો

1,50,000 – 264 – 528 – 792 – 1056 – 1332

2,00,000 – 348 – 696 – 1056 – 1416 – 1776

3,00,000 – 516 – 1044 – 1584 – 2124 – 2664

4,50,000 – 780 – 1572 – 2376 – 3180 - 4008


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter